દ.ભારતના બે પક્ષોનું NDAને શરતી સમર્થન! NCP એ પણ વ્હિપ જાહેર કર્યું

કેન્દ્ર સરકારે 30 નવેમ્બરથી લોકસભા અને 2 ડિસેમ્બરથી રાજ્યસભાની વિશેષ બેઠકો બોલાવવાની જાહેરાત કરતાં જ દિલ્હીના રાજકારણમાં હલચલ તેજ બની છે. 3 ડિસેમ્બર સુધી ચાલવાની સંભાવના ધરાવતા આ સત્રમાં પરિસીમન (Delimitation) અને મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ ફરી રજૂ થવાની અટકળો વચ્ચે NDA ની સંખ્યાબળની કસોટી શરૂ થઈ ગઈ છે. અગાઉ એપ્રિલમાં બે-તૃતીયાંશ બહુમતીના અભાવે આ બિલ પસાર થઈ શક્યું નહોતું, ત્યારે આ વખતે સરકાર નવા સમીકરણો સાધવામાં વ્યસ્ત છે.
NDA ની સ્થિતિ અને 2/3 બહુમતીનું ગણિત
લોકસભામાં હાલ NDA પાસે 320 સાંસદો છે, જેમાં BJP ના 241 અને સાથી પક્ષોના 79 સાંસદો સામેલ છે. બંધારણીય સુધારા બિલ પસાર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડે છે, જેના કારણે NDA ને જરૂરી આંકડા સુધી પહોંચવા માટે અન્ય પક્ષોના સમર્થન અથવા ગેરહાજરીના ગણિત પર આધાર રાખવો પડશે.
દક્ષિણના પક્ષો: YSRCP સમર્થનમાં, DMK ની શરતો
પરિસીમન બિલને લઈને દક્ષિણ ભારતના પ્રાદેશિક પક્ષોના વલણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે:
YSRCP: વાયએસઆર કોંગ્રેસે (4 સાંસદો) પ્રસ્તાવિત બિલને સમર્થન આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
DMK: અગાઉ વિરોધ કરનાર DMK (22 સાંસદો) એ શરતી સમર્થનના સંકેત આપ્યા છે. DMK ની માંગ છે કે બિલમાં લેખિત જોગવાઈ કરવામાં આવે કે લોકસભામાં તમિલનાડુની 7.2 ટકા હિસ્સેદારી જળવાઈ રહે અને આગામી પરિસીમન 25 વર્ષ સુધી ટાળી દેવામાં આવે.
વિપક્ષમાં અલગ-અલગ સૂર, NCP (SP) નો વ્હીપ
વિપક્ષી છાવણીમાં એક તરફ આક્રમકતા છે તો બીજી તરફ મતભેદ પણ દેખાઈ રહ્યા છે:
કોંગ્રેસનો વિરોધ: કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ પગલાંને બંધારણ પર હુમલો ગણાવ્યું છે અને માંગ કરી છે કે પરિસીમન સાથે જોડ્યા વિના હાલની 543 બેઠકો પર જ મહિલા અનામત લાગુ કરવું જોઈએ.
NCP (SP) નું વલણ: શરદ પવારની NCP (SP) એ પોતાના સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે, પરંતુ સાંસદ સુપ્રિયા સુળેએ નરમ વલણ અપનાવતા કહ્યું છે કે બિલનો મુસદ્દો જોયા બાદ અને દેશહિતમાં હોય તો સમર્થન પર વિચાર થઈ શકે છે.
આજે દિલ્હીમાં ત્રણ મહત્ત્વની બેઠકો
વિશેષ સત્ર પહેલાં આજે બપોરે 1 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે કોંગ્રેસના પ્રવક્તાઓની ઓનલાઈન બેઠક અને સાંજે 4.30 વાગ્યે વિપક્ષી દળોની વ્યૂહરચના બેઠક યોજાશે, જેના પર સૌની નજર રહેશે.









