CJI ચંદ્રચૂડે સ્કૂલ સમયમાં મળેલી સજાનો સંભળાવ્યો કિસ્સો, 'કરગરતો રહ્યો, શિક્ષક મારતા રહ્યાં...'
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ નેપાળની મુલાકાતે છે. જ્યાં રાજધાની કાઠમંડુમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ નેપાળની મુલાકાતે છે. જ્યાં રાજધાની કાઠમંડુમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ દરમિયાન સીજેઆઈ ચંદ્રચુડે તેમના શાળાના દિવસોને યાદ કર્યા હતા. એટલું જ નહીં શાળામાં પડેલો માર અને તેના કારણે થયેલી પીડાની પણ માહિતી આપી હતી.
સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે, ‘સ્કૂલના દિવસો દરમિયાન મને શારીરિક દંડ ફટકારાયો હતો. મને સ્કૂલમાં મળેલી સજા આજે પણ યાદ છે અને તે સજા મારા દિલમાં અંકિત થઈ ગઈ છે.
તેમજ વધુમાં કહ્યું કે, ‘તમે જે રીતે બાળકો સાથે વ્યવહાર કરો છે, તેની અસર બાળકના મનમાં જીવનભર રહે છે. હું સ્કૂલના તે દિવસો ક્યારે ભુલીશ નહીં. સ્કૂલના દિવસો દરમિયાન મારા હાથ પર છડી ફટકારવામાં આવી હતી, ત્યારે હું કોઈ કિશોર અપરાધી ન હતો. ત્યારે મારો ગુનો એટલો જ હતો કે, હું યોગ્ય સાઈઝની સોય લાવ્યો ન હતો. મને હજુ પણ યાદ છે કે, મેં મારા શિક્ષકને છડી મારા હાથ પર નહીં, પરંતુ મારા પીઠ પર મારવાની ઘણીવાર વિનંતી કરી હતી.’
‘શરમના કારણે ઘરે કોઈને જાણ ન કરી’
‘મારી સાથે સ્કૂલમાં બનેલી ઘટના માતા-પિતાને કહેવામાં મને ખૂબ શરમ આવી રહી હતી. એટલું જ નહીં મેં થોડા દિવસો સુધી ચુપચાપ પીડા સહન કરી અને મારા શરીર પરના નિશાન છુપાવ્યા. આ ઘટનાએ મારા દિલ અને આત્મા પર એક છાપ છોડી દીધી છે. જ્યારે હું કામ કરતો હોવ છું, ત્યારે પણ તે ઘટના મને યાદ આવે છે. બાળકો પર ઉપહાસની છાપ ઘણી ઊંડી હોય છે.’






