મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કુનો નેશનલ પાર્કમાં પેલેટ (છરા) વાગવાથી થયેલા ચિત્તાના મૃત્યુની તપાસ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય ટીમ તૈનાત કરી

કુનો નેશનલ પાર્કમાં પેલેટ (છરા) વાગવાથી થયેલા ચિત્તાના મૃત્યુની તપાસ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય ટીમ તૈનાત કરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક નજીક ગોળીઓથી ઘાયલ થયેલા 19 મહિનાના નર ચિત્તાનું મોત થતાં વન્યજીવ સંરક્ષણને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચસ્તરીય ટીમ તૈનાત કરી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે બુધવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ચિત્તાના મોત પાછળનાં સંજોગોની તપાસ કરવામાં આવશે અને ઉપલબ્ધ તમામ પુરાવાઓની ચકાસણી કરાશે. KNG22 તરીકે ઓળખાતા આ ચિત્તાનું 27 ઓક્ટોબર, 2026ના રોજ સઘન પશુચિકિત્સા સારવાર અને ઇમરજન્સી સર્જરી છતાં મોત થયું હતું. ઓપરેશન દરમિયાન તેના શરીરમાંથી બંદૂકની પાંચ ગોળીઓ મળી આવી હતી.

25 ઓક્ટોબરે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો ચિત્તો

અધિકૃત માહિતી અનુસાર, KNG22 ચિત્તો 25 ઓક્ટોબરે કુનો નેશનલ પાર્કના સંરક્ષિત વિસ્તારની બહાર આવેલા મુરેના ટેરિટોરિયલ ફોરેસ્ટમાં ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ તે જ દિવસે તેને બચાવીને શ્યોપુર ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. ચિત્તાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારવાર માટે જબલપુરની પશુચિકિત્સા સુવિધામાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેની સઘન સારવાર અને તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન તેના શરીરમાંથી પાંચ પેલેટ એટલે કે બંદૂકની ગોળીઓ મળી આવી હતી. જોકે, તબીબી પ્રયાસો છતાં 27 ઓક્ટોબરે તેનું મોત થયું હતું.

NTCA અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ તપાસમાં જોડાશે

કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચસ્તરીય ટીમમાં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ ફોરેસ્ટ્સ, વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB)ના એડિશનલ ડિરેક્ટર અને WCCBના પ્રાદેશિક ડેપ્યુટી ડિરેક્ટરનો સમાવેશ થાય છે. આ ટીમને ચિત્તાના મોત પાછળની સમગ્ર ઘટનાની તપાસ કરવાની, ઉપલબ્ધ પુરાવાઓની સમીક્ષા કરવાની અને મધ્યપ્રદેશના વન વિભાગ સાથે સંકલન કરીને ઝડપી તથા કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મધ્યપ્રદેશ સરકારે પણ વિશેષ ટાસ્ક ફોર્સ બનાવી

ચિત્તાના મોતના મામલે મધ્યપ્રદેશ સરકારે પણ તપાસ માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી છે. તેમાં વન વિભાગ અને પોલીસના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ ઘટનાના સંજોગોની તપાસ કરશે. હાલમાં ચિત્તાને ગોળીઓ કોણે મારી અને આ ઘટના કયા સંજોગોમાં બની તે અંગેની વિગતો સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ નથી. કેન્દ્ર અને રાજ્યની તપાસ ટીમો દ્વારા પુરાવાઓની તપાસ બાદ જ ઘટનાની હકીકત સામે આવવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો