'દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડના માસ્ટર માઈન્ડ છે સિસોદિયા', જામીન ન આપવા CBIએ કરી આ રજૂઆત
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની રેગ્યુલર જામીન અરજી અંગે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષ

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની રેગ્યુલર જામીન અરજી અંગે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટ 30 એપ્રિલે સિસોદિયાની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે. સિસોદિયા વતી કોર્ટમાં હાજર થયેલા એડવોકેટ વિવેક જૈને ચૂંટણી પ્રચાર માટે દાખલ કરેલી વચગાળાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી.
મનીષ સિસોદિયાએ લોકસભા ચૂંટણી પ્રચારમાં જવા માટે કોર્ટમાં વચગાળાની અરજી કરી હતી. આ સિવાય રેગ્યુલર જામીન માટેની અરજી પર કોર્ટે સુનાવણી કરી છે. આ પહેલા તેણે નિયમિત જામીન માટે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી દ્વાર ખટખટાવ્યા હતા. જો કે દરેક વખતે તેમને નિરાશા હાથ લાગી છે. સિસોદિયા એક વર્ષથી વધુ સમયથી તિહાડ જેલમાં બંધ છે.
સીબીઆઈએ સિસોદિયાની નિયમિત જામીન અરજીનો વિરોધ કર્યો. સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું કે તેમને જામીન ન આપવા જોઈએ. કારણ કે તે આ કેસના માસ્ટરમાઈન્ડ છે. કથિત દારૂ કૌભાંડની તપાસ CBI અને ED દ્વારા થઈ રહી છે. વિવાદાસ્પદ દારૂ નીતિ સિસોદિયાના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવી હતી. એ સમયે દિલ્હી સરકારમાં આ વિભાગ સિસોદિયા સંભાળી રહ્યા હતા.
કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દાવો છે કે દારૂના વેપારીઓને ખોટા લાભ અપાવીને તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. આ લાંચના ફંડનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરવામાં આવ્યો હતો. કથિત કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયા ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.






