'કોઈ મહિલાને 'સુંદર' કહેવું ગુનો ગણાશે, થશે સજા', હાઈકોર્ટનો નિર્ણય
કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતાં કહ્યું કે કોઈ મહિલાની શારીરિ

કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતાં કહ્યું કે કોઈ મહિલાની શારીરિક રચના પર ટિપ્પણી કરવી યૌન ઉત્પીડન હેઠળ સજાપાત્ર ગુનો ગણવામાં આવશે. જસ્ટિસ એ.બદરુદ્દીને આ સંબંધિત કેરળ રાજ્ય વિદ્યુત બોર્ડ (કેએસઈબી) ના એક પૂર્વ કર્મચારીની અરજીને ફગાવતાં આ નિર્ણય સંભળાવ્યો. અરજીમાં આરોપીએ તે સંગઠનની એક મહિલા કર્મચારી દ્વારા તેના વિરુદ્ધ દાખલ યૌન ઉત્પીડનના મામલાને રદ કરવાની વિનંતી કરી હતી.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 'આરોપી 2013થી મારા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો હતો અને પછી 2016-17 માં મને વાંધાજનક મેસેજ અને વોઈસ કોલ મોકલવાનું શરૂ કરી દીધું. કેએસઈબી અને પોલીસમાં ફરિયાદ બાદ તે મને વાંધાજનક મેસેજ મોકલતો રહ્યો.
મહિલાની ફરિયાદો બાદ આરોપી પર IPCની કલમ 354 એ (યૌન ઉત્પીડન) અને 509 (મહિલાની ગરિમાને અપમાનિત કરવી) અને કેરળ પોલીસ એક્ટની કલમ 120 (ઓ) (અનિચ્છનીય કોલ, પત્ર, લેખિત, મેસેજ મોકલવા માટે સંચારના કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરીને હેરાન કરવું) હેઠળ મામલો નોંધવામાં આવ્યો.
મામલાને રદ કરવાની વિનંતી કરતાં આરોપીએ દાવો કર્યો કે કોઈને તેની સુંદર શારીરિક રચના માટે ટિપ્પણી કરવી, આઈપીસીની કલમ 354 એ અને 509 તથા કેરળ પોલીસ એક્ટની કલમ 120 (ઓ) હેઠળ યૌન ઉત્પીડનની શ્રેણીમાં માની શકાય નહીં.
ફરિયાદી પક્ષ અને મહિલાએ દલીલ કરી કે આરોપીના ફોન કોલ અને મેસેજમાં અભદ્ર ટિપ્પણીઓ હતી, જેનો હેતું પીડિતને પરેશાન કરવાનો અને તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનો હતો. રિપોર્ટ અનુસાર ફરિયાદી પક્ષે એ પણ કહ્યું કે 'KSEB માં કામ કરવા દરમિયાન આરોપીએ મહિલાના શરીરને જોઈને 'ફાઈન' કહ્યું હતું.'
ફરિયાદી પક્ષની દલીલો સાથે સંમતિ વ્યક્ત કરતાં કેરળ હાઈકોર્ટે છ જાન્યુઆરીએ પોતાના આદેશમાં કહ્યું કે 'પ્રથમ દૃષ્ટિએ ભારતીય દંડ સંહિતાની કલમ 354 એ અને 509 તથા કેરળ પોલીસ એક્ટની કલમ 120 (ઓ) હેઠળ ગુના માટે ઉપરની બાબત જોવા મળે છે.'






