મદદના બહાને બોલાવી મહિલા પર તૂટી પડ્યા? BJPના પૂર્વ MLA સામે ગેંગરેપની FIR

મહારાષ્ટ્રના કલ્યાણમાં 22 વર્ષીય પરિણીત મહિલાની ફરિયાદના આધારે ભાજપના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવાર અને બરતરફ પોલીસ કર્મચારી શૈલેશ પાટીલ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ (Gang Rape) અને હથિયારના આધારે ધમકી આપવાના આરોપસર FIR નોંધવામાં આવી છે. પડઘા પોલીસ સ્ટેશનમાં 17 સપ્ટેમ્બરની વહેલી સવારે કેસ નોંધાયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, મહિલાનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ ઉકેલવામાં મદદ કરવાના બહાને તેને નરેન્દ્ર પવારે પોતાના કલ્યાણ સ્થિત કાર્યાલયમાં બોલાવી હતી. ત્યારબાદ 13 સપ્ટેમ્બરે તેને ભિવંડી તાલુકાના બાપગાંવ ખાતે આવેલી ખાનગી મિલકત પર લઈ જવામાં આવી હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે.
મહિલાના જણાવ્યા મુજબ, ત્યાં તેને હથિયાર બતાવી ધમકાવવામાં આવી અને જબરદસ્તી દારૂ પીવડાવવામાં આવ્યો. ફરિયાદમાં નરેન્દ્ર પવાર પર યૌન શોષણનો આરોપ છે. ત્યારબાદ તેઓ રાત્રે લગભગ 2 વાગ્યે ત્યાંથી જતા રહ્યા અને શૈલેશ પાટીલે પણ મહિલા સાથે યૌન શોષણ કર્યું હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સવારે આશરે 4 વાગ્યે મિલકતના કેરટેકરે મહિલાને તેના ઘરે પહોંચાડી હોવાનું જણાવાયું છે.
પુરાવા સાથે નગરસેવિકાનો સંપર્ક
ઘટના બાદ મહિલા આઘાતમાં હતી. 16 સપ્ટેમ્બરે તેણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)ના કોંગ્રેસ નગરસેવિકા કંચન કુલકર્ણીનો સંપર્ક કર્યો હતો. મહિલાએ કથિત ઘટનાને લગતા વીડિયો અને મોબાઈલ ચેટ્સ હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ કંચન કુલકર્ણી મહિલાને સાથે લઈને પડઘા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે ફરિયાદની તપાસ કર્યા બાદ બંને વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ અને હથિયાર સાથે ગુનાહિત ધમકી સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને ફરિયાદમાં કરવામાં આવેલા આરોપોની ચકાસણી કરવામાં આવી રહી છે. આરોપ સાબિત થયા નથી અને આગળની કાનૂની પ્રક્રિયા તપાસના પરિણામો પર નિર્ભર રહેશે.

