જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓને લઈ જતી બસને નડયો અકસ્માત, 35 ઈજાગ્રસ્ત

જમ્મુના રિંગ રોડ સ્થિત બિશનાહ વિસ્તારમાં સ્કૂલ પિકનિકથી પરત ફરી રહેલી એક બસ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 25 બાળકો અને 6 શિક્ષકો સહિત કુલ ૩૫ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ચાલકે બસ પરથી કાબૂ ગુમવાતા અકસ્માત થયો
પરગવાલ ઈન્ટરનેશનલ બોર્ડર વિસ્તારની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અખનૂર ખાતે પિકનિક મનાવવા ગયા હતા. સાંજના સમયે પરત ફરતી વખતે બિશનાહ રિંગ રોડ પર ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અનિયંત્રિત બસ રોડ પરના ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને રસ્તાની બીજી બાજુ જઈને પલટી ગઈ હતી.
ગંભીર ઈજાગ્રસ્તોને એઈમ્સમાં રિફર કરાયા
રાહત અને બચાવ કામગીરી અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓની હાલત વધુ ગંભીર હતી, તેઓને વધુ સારવાર માટે એઈમ્સ જમ્મુ ખાતે રિફર કરવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઘાયલોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

