મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બ્રિટાનીયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ફટકારવામાં આવ્યો ₹1 લાખનો દંડ, જાણો શું છે આ ઘઉંના લોટમાંથી બનેલી બ્રેડનો મામલો

બ્રિટાનીયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ફટકારવામાં આવ્યો ₹1 લાખનો દંડ, જાણો શું છે આ ઘઉંના લોટમાંથી બનેલી બ્રેડનો મામલો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

શું બજારમાં મળતી ‘100% Whole Wheat’ લખેલી બ્રેડ ખરેખર 100 ટકા આખા ઘઉંના લોટમાંથી બનેલી હોય છે? કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA)ની તપાસમાં આ મામલે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. ગ્રાહકોને ભ્રામક માહિતી આપીને ગેરમાર્ગે દોરવાના આરોપસર CCPAએ દિગ્ગજ કંપની બ્રિટાનીયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સામે કડક કાર્યવાહી કરી છે. સત્તામંડળે કંપનીના ‘100% Whole Wheat Bread’ સંબંધિત દાવાને ભ્રામક ગણાવીને તેના પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ બ્રેડમાં માત્ર 62 ટકા જ આખા ઘઉંનો લોટ (હોલ વ્હીટ ફ્લોર) હતો, જ્યારે પેકેજિંગ અને જાહેરાતોમાં તેને સંપૂર્ણપણે ઘઉંના લોટમાંથી બનેલી બ્રેડ તરીકે દર્શાવવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ CCPAએ કંપનીને આવી ભ્રામક જાહેરાતો તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ભ્રામક જાહેરાત સામે સત્તામંડળની લાલ આંખ

કાયદાકીય ન્યૂઝ વેબસાઇટ ‘બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ મુજબ, 21 ઓક્ટોબરના રોજ આપવામાં આવેલા આદેશમાં ચીફ કમિશનર નિધિ ખરે અને કમિશનર અનુપમ મિશ્રાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કંપનીનું પેકેજિંગ અને જાહેરાતો ગ્રાહકોને એવો ખોટો સંદેશ આપે છે કે આ બ્રેડ સંપૂર્ણપણે હોલ વ્હીટ ફ્લોરમાંથી જ તૈયાર કરવામાં આવી છે. CCPAએ આ મામલે આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે કંપનીએ માત્ર પ્રોડક્ટમાં ઘઉંના લોટનું પ્રમાણ જ વધારીને રજૂ નથી કર્યું, પરંતુ તેનું નામ પણ નિર્ધારિત ઘટકોના ધારાધોરણો મુજબનું રાખ્યું નહોતું.

CCPAની તપાસમાં સામે આવી આ હકીકત

CCPAએ સામેથી સંજ્ઞાન લઈને બ્રિટાનીયાના પ્રચારના દાવાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી:

● કંપની દ્વારા ‘100% Whole Wheat Bread’, ‘0% મેંદો’ અને બ્રેડને એક ‘હેલ્ધી ડાયેટ’ તરીકે દર્શાવવાના જે દાવા કરવામાં આવ્યા હતા તેની તપાસ કરવામાં આવી હતી.

● તપાસમાં ખુલાસો થયો કે બ્રેડમાં માત્ર 62 ટકા જ હોલ વ્હીટ ફ્લોર વપરાયો હતો.

● બ્રેડના બાકીના 38 ટકા હિસ્સામાં પાણી, યીસ્ટ અને ઘઉંનું થૂલું સહિતની અન્ય સામગ્રીઓ સામેલ હતી.

બ્રિટાનીયાએ પોતાના બચાવમાં રજૂ કરી આવી દલીલ

આ મામલે બ્રિટાનીયાએ પોતાનો પક્ષ રજૂ કરતાં બચાવમાં કહ્યું હતું કે પેકેજિંગ પર લખેલા ‘100%’નો અર્થ બ્રેડમાં રહેલા ઘઉંવાળા હિસ્સા પૂરતો જ હતો, જે સંપૂર્ણપણે હોલ વ્હીટ ફ્લોરથી બનેલો હતો અને તેમાં મેંદાનો બિલકુલ સમાવેશ કરવામાં આવ્યો નહોતો. કંપનીએ ફૂડ લેબલિંગના નિયમોનો પણ હવાલો આપ્યો હતો, જેના અનુસાર ‘Whole Wheat Bread’ તરીકે વેચાતા ઉત્પાદનોમાં ઓછામાં ઓછો 75 ટકા હોલ વ્હીટ ફ્લોર હોવો જોઈએ.

CCPAએ કંપનીની દલીલ ફગાવી દીધી

જોકે, સત્તામંડળે કંપનીની આ ગોળ-ગોળ વ્યાખ્યા અને દલીલનો સ્વીકાર કર્યો નહોતો. CCPAએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નિર્ધારિત ધોરણોની ગણતરી માત્ર ઘઉંવાળા હિસ્સાના આધારે ન કરી શકાય, પરંતુ તેમાં સમગ્ર પ્રોડક્ટના બંધારણને ધ્યાનમાં રાખવું પડે. સત્તામંડળે સ્પષ્ટતા કરી કે ‘100%’ શબ્દનો અર્થ સમગ્ર ઉત્પાદનના સંપૂર્ણ બંધારણ સાથે જોડાયેલો હોય છે, નહીં કે કોઈ એક ચોક્કસ ઘટકની પસંદગીયુક્ત વિશેષતા સાથે.

15 દિવસમાં જમા કરાવવો પડશે રિપોર્ટ

આ કડક કાર્યવાહીના ભાગરૂપે CCPAએ બ્રિટાનીયાને આદેશ આપ્યો છે કે તે તાત્કાલિક અસરથી આવી ભ્રામક જાહેરાતો અને પ્રચાર સામગ્રી પર રોક લગાવે. આ સાથે જ કંપનીએ આદેશનું પાલન કર્યા અંગેનો રિપોર્ટ પણ 15 દિવસની અંદર સત્તામંડળ સમક્ષ જમા કરાવવાનો રહેશે.

આ સમાચાર શેર કરો