બ્રાહ્મણો કીડી પણ નથી મારી શકતા, પ્રશાંત કિશોરના વિવાદસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું

બિહારમાં જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરના બ્રાહ્મણ સમાજને લઈને આપેલા નિવેદનથી રાજકીય વિવાદ ઊભો થયો છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે બ્રાહ્મણોએ ભાજપનો ઝંડો ઉઠાવી લેતાં તેમની પાસેથી 20 ટકા મુસ્લિમ મતો છટકી ગયા છે. તેમના આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે. બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ પ્રશાંત કિશોરને બ્રાહ્મણ સમાજને બક્ષી દેવાની સલાહ આપી છે, જ્યારે ભાજપના નેતા મૃત્યુજય તિવારીએ તેમના નિવેદનને હતાશાનું પરિણામ ગણાવ્યું છે. રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભાએ પણ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.
દરભંગામાં પ્રશાંત કિશોરે શું કહ્યું હતું?
પ્રશાંત કિશોરે 5 નવેમ્બરે દરભંગામાં આયોજિત મૈથિલ બુદ્ધિજીવી વિચાર સંગોષ્ઠીને સંબોધિત કરી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ જન સુરાજના વડા સમક્ષ ચૂંટણીની ટિકિટ ફાળવણીમાં બ્રાહ્મણોને પ્રાથમિકતા આપવાની માગ કરી હતી. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે અહીં છેલ્લા 15 વર્ષથી બ્રાહ્મણ ધારાસભ્ય છે અને સાંસદ પણ બ્રાહ્મણ છે, તો પછી સમાજ મુશ્કેલીમાં કેમ જીવી રહ્યો છે? પ્રશાંત કિશોરે બ્રાહ્મણ સમાજને સંબોધીને કહ્યું હતું કે ચૂંટણી જીતવા માટે મતોની જરૂર પડે છે. તેમના દાવા પ્રમાણે, અગાઉ બ્રાહ્મણોને 20 ટકા મુસ્લિમ મતો મળતા હતા, પરંતુ ભાજપનો ઝંડો ઉઠાવ્યા બાદ મુસ્લિમ મતો તેમનાથી દૂર થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે બ્રાહ્મણો અને મુસ્લિમો વચ્ચે ન તો અનામતને લઈને કોઈ લડાઈ છે અને ન તો જમીનને લઈને. બંને સમાજ વચ્ચે ક્યારેય રમખાણો પણ થયાં નથી. તેમ છતાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ભાજપના સમર્થક બનીને મુસ્લિમો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરે છે.
'બ્રાહ્મણો કલમ ચલાવનારા છે, ફરસો નહીં'
પ્રશાંત કિશોરે બ્રાહ્મણ સમાજને પોતાની પરંપરાગત ઓળખ જાળવી રાખવાની સલાહ આપતાં કહ્યું હતું કે તેમની તાકાત કલમ અને સરસ્વતી છે. તેમણે કહ્યું કે બ્રાહ્મણોએ ખોટો રસ્તો અપનાવવો જોઈએ નહીં. ફરસો ચલાવવા અને ભગવાન પરશુરામની વાતને તેમણે એક વિશેષ સંદર્ભ સાથે જોડીને રજૂ કરી હતી. તેમના મતે, હથિયાર ચલાવવું બ્રાહ્મણોનો સ્વાભાવિક સ્વભાવ નથી.
ભાજપના નેતાઓનો પલટવાર
પ્રશાંત કિશોરના નિવેદન બાદ ભાજપના નેતા મૃત્યુજય તિવારીએ તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બ્રાહ્મણ સમાજની બેઠકમાં મુસ્લિમ વોટબેંકની વાત કરવી પ્રશાંત કિશોરની હતાશા દર્શાવે છે. બીજી તરફ, બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ કહ્યું હતું કે પ્રશાંત કિશોરે બ્રાહ્મણ સમાજને બક્ષી દેવો જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે દેશનો દરેક બ્રાહ્મણ વેદ, પુરાણ, ઉપનિષદ અને મંદિરની પરંપરા સાથે જોડાયેલો છે. આ પરંપરાઓની રક્ષા માત્ર મોદી સરકાર જ કરી શકે છે.
બ્રાહ્મણ મહાસભાએ પણ વ્યક્ત કર્યો વિરોધ
રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભા ટ્રસ્ટના સ્થાપક આશુતોષ કુમાર ઝાએ પણ પ્રશાંત કિશોરના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે બુધવારે કહ્યું હતું કે જાહેર મંચ પરથી બ્રાહ્મણ સમાજ અંગે કરવામાં આવેલી કટાક્ષભરી અને અપમાનજનક ટિપ્પણી નિંદનીય છે. ઝાએ કહ્યું હતું કે બ્રાહ્મણ સમાજનો ઇતિહાસ માત્ર શાસ્ત્રો પૂરતો સીમિત નથી, પરંતુ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના સમન્વયનો રહ્યો છે. તેમણે ભગવાન પરશુરામથી લઈને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મંગલ પાંડે અને ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદનાં ઉદાહરણો આપીને બ્રાહ્મણ સમાજના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રશાંત કિશોર પોતે પણ બ્રાહ્મણ, મિથિલામાં નવા રાજકીય સમીકરણોની ચર્ચા
આ વિવાદ વચ્ચે એક રસપ્રદ બાબત એ પણ છે કે પ્રશાંત કિશોર પોતે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. તેમનું પૂરું નામ પ્રશાંત કિશોર પાંડે છે અને તેઓ મૂળ રોહતાસ જિલ્લાના રહેવાસી છે. બિહારના મિથિલા વિસ્તારમાં બ્રાહ્મણ અને મુસ્લિમ સમાજ બંનેની રાજકીય ભૂમિકા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજકીય જાણકારોના મતે, જન સુરાજ પાર્ટી ભવિષ્યની ચૂંટણીઓમાં આ બંને સમાજ વચ્ચે નવું રાજકીય સમીકરણ ઊભું કરવાનો પ્રયાસ કરી શકે છે. જો આવું થાય તો એનડીએ અને મહાગઠબંધન બંનેના ચૂંટણી સમીકરણો પર તેની અસર પડી શકે છે.
Next Article













