મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપનું મનોમંથન, 150 સીટો પર લડવાની રણનીતિ તૈયાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થવા જઈ રહી છે. ચૂંટણી પંચ પ્ર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થવા જઈ રહી છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ અને પરિણામ દિવસની માહિતી આપશે. ત્યારે ભાજપ જેવા મોટા રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ લગભગ 150 સીટો પર ચૂંટણી લડશે. આ બેઠકો માટેના ઉમેદવારોના નામ પર પણ મંથનનો રાઉન્ડ યોજાયો છે.
સોમવારે દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, આશિષ શેલાર અને પંકજા મુંડે જેવા નેતાઓ પણ હાજર હતા. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અન્ય નેતાઓ પણ હાજર હતા.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહની હાજરીમાં મળેલી આ બેઠકમાં સૌથી પહેલા તે 100 બેઠકો પર ચર્ચા થઈ હતી જ્યાં હાલમાં માત્ર ભાજપના ધારાસભ્યો છે. ભાજપે મુખ્યત્વે કોંકણ ક્ષેત્ર, વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રની બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મરાઠવાડા સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીને બેઠકો આપવામાં આવશે. રાજ્યમાં કુલ 288 બેઠકો છે અને અત્યાર સુધી થયેલી સમજૂતી મુજબ લગભગ 80 બેઠકો એકનાથ શિંદે જૂથને જશે. આ સિવાય બાકીની 50 બેઠકો અજિત પવારના જૂથને આપવામાં આવી શકે છે.
મુંબઈની મોટાભાગની સીટો પર ભાજપનો દાવો છે. આ સિવાય થાણે વિસ્તારની સીટો શિંદે જૂથને આપવા પર સહમતિ બની છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે 288માંથી લગભગ 90 ટકા બેઠકો પર સમજૂતી થઈ સધાઈ ગઈ છે. સોમવારે યોજાયેલી બેઠકમાં અગાઉ જ્યાં પાર્ટી હારી હતી તે વિસ્તારનું પણ મનોમંથન કરાયું હતું. આ બેઠકમાં બીડ, મુંબઈ ઉત્તર મધ્ય જેવી બેઠકોનો સમાવેશ થાય છે. બીડથી પંકજા મુંડે અને મુંબઈ ઉત્તર મધ્યથી જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપના નેતાઓ કહે છે કે અમે લગભગ 8થી 9 લોકસભા બેઠકો ગુમાવી છે કારણ કે મુસ્લિમોનું ધ્રુવીકરણ એકતરફી હતું. તેઓ એવા પક્ષો સાથે ગયા જે ભાજપ સાથે સીધી સ્પર્ધામાં હતા. જ્યારે ભાજપના સમર્થક મતદારો મતદાન માટે બહાર આવ્યા ન હતા. એટલે પરિણામ બદલાયું. હવે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં એવી રણનીતિ સાથે કામ કરશે જ્યાં વધુને વધુ પોતાના તરફી મતદાન થઈ શકે.








