બિહારનો ઐતિહાસિક 6-લેન પુલ હવે 'નીતિશ સેતુ' તરીકે ઓળખાશે, 21 નવેમ્બરે PM મોદી કરશે ઉદ્ઘાટન

બિહાર સરકારે રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા કચ્છી દરગાહ-રાઘોપુર-બિદુપુર 6-લેન પુલનું નામ મુખ્યમંત્રી નીતિશ કુમારના નામ પરથી 'નીતિશ સેતુ' રાખવાનો નિર્ણય લીધો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સમ્રાટ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. આગામી 21 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બિહાર પ્રવાસ દરમિયાન આ ભવ્ય પુલનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.
વૈશાલીના રાજાપાકરથી થશે લોકાર્પણ
મળતી માહિતી મુજબ, 21 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના વૈશાલી જિલ્લાના રાજાપાકર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી તેઓ નવનિર્મિત 6-લેન 'નીતિશ સેતુ'નું ઔપચારિક લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન માત્ર આ પુલનું જ ઉદ્ઘાટન નહીં કરે, પરંતુ બિહારના સર્વાંગી વિકાસ માટે અન્ય અનેક જનઉપયોગી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે.
પટનાથી ઉત્તર બિહારની મુસાફરી બનશે સરળ
આ 6-લેન પુલ પટનાના કચ્છી દરગાહને સીધો વૈશાલી જિલ્લાના બિદુપુર (રાઘોપુર વિસ્તાર) સાથે જોડશે. આ પુલ શરૂ થવાથી પટના અને ઉત્તર બિહાર વચ્ચેનું અંતર ઘટશે, જેનાથી મુસાફરોનો સમય બચશે. આ ઉપરાંત, દૈનિક ધોરણે સર્જાતા ભીષણ ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે અને રાજ્યમાં વ્યાપારિક અવરજવરને પણ નવી ગતિ મળશે.








