બાંગ્લાદેશ મોડ્યુલ પર મોટો ખુલાસો! લશ્કર-એ-તૈયબાના ચીફ સાથે સીધા સંપર્કમાં હતો આ આતંકી
દેશની રાજધાની દિલ્હી સ્પેશિયલ સેલ

દેશની રાજધાની દિલ્હી સ્પેશિયલ સેલે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા મોડ્યુલને લઈને મોટો ખુલાસો કર્યો છે. આઠ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશમાં હાજર આ મોડ્યુલનો હેન્ડલર શબ્બીર શાહ લશ્કરના ટોપ નેતૃત્વ સાથે સીધા સંપર્કમાં હતો. જે આતંકીઓને પકડવામાં આવ્યા છે તેમની પાસેથી એક ડઝન કરતાં વધુ મોબાઈલ ફોન અને 16 સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓએ દેશમાં ફેલાયેલા આતંકવાદી નેટવર્ક પર મોટો પ્રહાર કરતા કુલ 8 આતંકીઓની ધરપકડ કરી છે. 6 આતંકવાદીઓની તમિલનાડુથી અને 2 શંકાસ્પદોની પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ ભારત વિરુદ્ધ રચાઈ રહેલા મોટા કાવતરાના અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
શબ્બીર શાહ ચીફ હાફિઝ સઈદ સાથે સીધા સંપર્કમાં
તપાસમાં સામે આવ્યું છે કે, શબ્બીર અહેમદ લોન (જે શબ્બીર શાહ તરીકે પણ ઓળખાય છે), વર્ષ 2007થી લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ અને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ઝકી-ઉર-રહેમાન લખવી સાથે સતત સીધા સંપર્કમાં હતો. 2007માં જ્યારે દિલ્હીમાં તેની ધરપકડ થઈ હતી, ત્યારે તેની પાસેથી મળેલા પુરાવાઓથી સાબિત થયું હતું કે તે પાકિસ્તાની આતંકી સંગઠનોના આકાઓ સાથે સીધી વાતચીત કરતો હતો. તેમ છતાં વર્ષ 2017માં જેલમાંથી મુક્ત થયા બાદ તે ભારત છોડીને ભાગી ગયો હતો.
ISI અને બાંગ્લાદેશી કનેક્શન
સ્પેશિયલ સેલે એ પણ ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ખતરનાક પ્લાન બનાવી રહી છે. ISI ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની ભરતી કરી રહ્યું છે. તે ભારતમાં ફરી આતંકવાદી હુમલા માટે મજબૂત નેટવર્ક ઊભું કરવા માંગે છે, જેના માટે મોટા પાયે ફંડિંગ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
તમિલનાડુ અને બંગાળમાં મોટું ઓપરેશન
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા 8 શંકાસ્પદમાંથી 6 વ્યક્તિઓને તમિલનાડુના તિરુપુર જિલ્લાની વિવિધ ગારમેન્ટ ફેક્ટરીઓમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા શંકાસ્પદોની ઓળખ મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઉમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જવલ તરીકે થઈ છે. આ ઉપરાંત અન્ય બે શંકાસ્પદોની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા કેટલાક શંકાસ્પદોમાં એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે, જેઓ પોતાની ઓળખ છુપાવવા માટે નકલી આધારકાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા.
સ્પેશિયલ સેલની તપાસમાં મોટો ખુલાસો
આ મોટા આતંકી નેટવર્કનો ખુલાસો દિલ્હીના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને દિલ્હી મેટ્રો નેટવર્કમાં જોવા મળેલા ભડકાઉ પોસ્ટરોને કારણે થયો છે. આ પોસ્ટરોમાં કાશ્મીરને લગતી વાંધાજનક સામગ્રી અને ભડકાઉ વાતો લખવામાં આવી હતી. સ્પેશિયલ સેલે જ્યારે આ પોસ્ટરો ક્યાંથી આવ્યા તેની કડીઓ મેળવવાનું શરૂ કર્યું, ત્યારે તપાસ તમિલનાડુમાં સક્રિય આ નેટવર્ક સુધી પહોંચી હતી.
મોટા હુમલાનું કાવતરું નિષ્ફળતપાસ અધિકારીઓના મતે, આ શંકાસ્પદો તેમના વિદેશી આકાઓના ઈશારે ભારતમાં એક મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન પોલીસે 8 મોબાઈલ ફોન અને 16 સિમકાર્ડ જપ્ત કર્યા છે. આ ડિજિટલ સાધનોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે જેથી અન્ય સાથીદારો અને વિદેશી સંપર્કો વિશે વધુ પુરાવા મળી શકે. હાલમાં તમામ શંકાસ્પદોને ટ્રાન્ઝિટ રિમાંડ પર દિલ્હી લાવવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. પોલીસે દાવો કર્યો છે કે સમયસર આ કાર્યવાહી કરીને એક મોટા આતંકી ષડ્યંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.








