પંજાબના રાજકારણમાં મોટો ભૂકંપ: CM ભગવંત માનના OSDએ બિક્રમ મજીઠિયાને મોકલી લીગલ નોટિસ, 24 કલાકનું અલ્ટીમેટમ!

પંજાબના રાજકારણમાં ફરી એકવાર જોરદાર ગરમાવો આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માનના ઓએસડી (OSD) રાજબીર સિંહ ઘુમ્મને શિરોમણી અકાલી દળ (SAD)ના વરિષ્ઠ નેતા બિક્રમ સિંહ મજીઠિયા સામે માનહાનિની કાનૂની નોટિસ ફટકારી છે. સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ ડ્રગ વેપાર સિન્ડિકેટ સાથે સાંઠગાંઠ હોવાના લગાવવામાં આવેલા આરોપોને તેમણે પાયાવિહોણા, ખોટા અને રાજકીય હેતુથી પ્રેરિત ગણાવ્યા છે.
કાનૂની નોટિસમાં રાજબીર સિંહ ઘુમ્મને બિક્રમ સિંહ મજીઠિયાને કડક ચેતવણી આપતાં જણાવ્યું છે કે તેઓ ૨૪ કલાકની અંદર તેમના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી વિવાદાસ્પદ અને અપમાનજનક પોસ્ટ્સ તાત્કાલિક ડિલીટ કરે તેમજ બિનશરતી જાહેરમાં માફી માગે. આ સાથે જ ભવિષ્યમાં આવા આક્ષેપો ફરી નહીં કરવાનો લેખિત બાંયધરી પત્ર આપવા પણ જણાવવામાં આવ્યું છે.
નોટિસમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો નિર્ધારિત સમયમર્યાદા (૨૪ કલાક)માં માફી માગવામાં નહીં આવે અને પોસ્ટ્સ હટાવવામાં નહીં આવે, તો ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ ફોજદારી માનહાનિ (Criminal Defamation) સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઓએસડી દ્વારા આપવામાં આવેલી આ કાનૂની નોટિસ બાદ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) અને અકાલી દળ વચ્ચે રાજકીય સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે.









