VIDEO: લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે મોટો નિર્ણય: FCRA બિલ પર હવે JPC કરશે વિચાર-વિમર્શ, પ્રસ્તાવ સર્વાનુમતે પસાર
FCRA સુધારા વિધેયકને JPC એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, જે પસાર થઈ ગયો છે. હવે JPC આ બિલ પર વિચાર-વિમર્શ કરીને સંસદના શિયાળુ સત્ર સુધી પોતાનો રિપોર્ટ સોંપશે. નોંધનીય છે કે, FCRA બિલ પર ભારે હંગામો થયો હતો, અને તેને JPCને મોકલવાની માંગ કરવામાં આવી રહી હતી.
JPCના ગઠન અને રિપોર્ટ અંગેની વિગતો
કેન્દ્રીય રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર પ્રસ્તાવિત JPCમાં કુલ 31 સભ્યો હશે. ગૃહ વાઇઝ પ્રતિનિધિત્વ જોઈએ તો તેમાંથી 21 સભ્યો લોકસભામાંથી અને 10 સભ્યો રાજ્યસભામાંથી હશે. સમિતિને કાયદાકીય જોગવાઈઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જવાબદારી સોંપાઈ છે. સમિતિ 2026ના શિયાળુ સત્રના પહેલા સપ્તાહના અંતિમ દિવસ સુધી સંસદમાં પોતાનો રિપોર્ટ સોંપશે.
વિપક્ષનો વિરોધ અને સરકારનો જવાબ
કોંગ્રેસ અને વિપક્ષનો આક્ષેપ: કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલ અને સપા સુપ્રીમો અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે, સરકાર આ બિલ દ્વારા લઘુમતીઓ અને NGOને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે, તેથી બિલ પાછું ખેંચવું જોઈએ.
કિરેન રિજિજૂનો પલટવાર: કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ આક્ષેપોને ફગાવતા કહ્યું કે, વિપક્ષ જ આ બિલને JPCમાં મોકલવાની માંગ કરી રહ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, બિલમાં લઘુમતીઓ સામે એક પણ જોગવાઈ નથી, અને આ કાયદો દેશની સુરક્ષા તથા વિદેશી ભંડોળના યોગ્ય નિયમન માટે જરૂરી છે. વિપક્ષ JPCમાં પોતાના સૂચનો રજૂ કરી શકે છે.
ત્યારબાદ લોકસભા દ્વારા 'વિદેશી યોગદાન (નિયમન) સુધારા વિધેયક, 2026' ને JPCમાં મોકલવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

