મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બંગાળ તો માત્ર ઝાંખી... હવે કર્ણાટકમાં 1 કરોડ મતદારોનાં નામ કપાયાં, અંતિમ યાદીમાં માત્ર 4.55 કરોડ મતદારો

બંગાળ તો માત્ર ઝાંખી... હવે કર્ણાટકમાં 1 કરોડ મતદારોનાં નામ કપાયાં, અંતિમ યાદીમાં માત્ર 4.55 કરોડ મતદારો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કર્ણાટકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી આશરે 1.08 કરોડ નામો અંતિમ યાદીમાં સામેલ થઈ શક્યાં નથી. આ સંખ્યા અગાઉ નોંધાયેલા કુલ મતદારોના આશરે 19.48 ટકા જેટલી છે. બીજી તરફ, લગભગ 4.46 કરોડ પાત્ર મતદારોને અંતિમ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જે પાત્ર નાગરિકોનાં નામ છૂટી ગયાં હોય તેઓ ફોર્મ-6 ભરીને ફરીથી નોંધણી માટે અરજી કરી શકે છે.

ચાર કેટેગરીમાં મતદારોની ચકાસણી

મતદાર યાદીને વધુ સચોટ બનાવવા માટે ચૂંટણી પંચે ASDD કેટેગરી હેઠળ ગેરહાજર, કાયમી સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અને એકથી વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ચકાસણી કરી હતી. આ પ્રક્રિયામાં નીચે મુજબના આંકડા સામે આવ્યા છે.

  • 65,45,679 મતદારો: કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતરિત થયેલા.

  • 19,00,926 મતદારો: નોંધાયેલા સરનામે ગેરહાજર મળી આવેલા.

  • 16,39,864 મતદારો: મૃત્યુ પામેલા હોવાનું સામે આવ્યું.

  • 7,09,870 મતદારો: ડુપ્લિકેટ અથવા એકથી વધુ સ્થળે નોંધાયેલા.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, આ ચકાસણીનો હેતુ મતદાર યાદીમાંથી અયોગ્ય અને ડુપ્લિકેટ નોંધણીઓ ઓળખવાનો તથા પાત્ર મતદારોનાં નામ યોગ્ય રીતે સામેલ કરવાનો હતો.

43.82 લાખથી વધુ કેસમાં નોટિસ અને સુનાવણી

ચૂંટણી પંચે પ્રક્રિયા દરમિયાન કુલ 43,82,824 નોટિસ પાઠવી હતી અને સંબંધિત કેસોમાં સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ 43,20,957 કેસોને અંતિમ યાદીમાં સામેલ કરવા માટે યોગ્ય ગણવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 4,02,53,151 પાત્ર મતદારોનાં નામ પણ અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. જોકે, તપાસ અને સુનાવણી બાદ 61,867 લોકોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા અને તેમનાં નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યાં નથી.

મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?

કર્ણાટકના મુખ્ય ચૂંટણી કમિશનર અંબુ કુમારે જણાવ્યું હતું કે 16 જૂન, 2026 સુધીમાં રાજ્યની મતદાર યાદીમાં આશરે 5.54 કરોડ મતદારો નોંધાયેલા હતા. તેમાંથી લગભગ 1.08 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ નહોતાં. આ આંકડામાં મૃત્યુ પામેલા અને ડુપ્લિકેટ મતદારોની નોંધણીઓનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડ્રાફ્ટ યાદીમાંથી બહાર રહેલા લોકોમાંથી છેલ્લા અઢી મહિનામાં 8.19 લાખથી વધુ મતદારોની નવી નોંધણી કરવામાં આવી છે. આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.

નામ છૂટી ગયું હોય તો ફોર્મ-6થી અરજી કરી શકાશે

મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કર્યું કે જો કોઈ પાત્ર નાગરિકનું નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ ન થયું હોય, તો તે ફોર્મ-6 ભરીને નોંધણી માટે અરજી કરી શકે છે. અરજીની ચકાસણી કર્યા બાદ પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે મતદાર નોંધણી અંગે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને રાજકીય પક્ષો તથા તેમના પ્રતિનિધિઓનો પણ સહયોગ મળ્યો હતો. ચૂંટણી પંચે પાત્ર મતદારોને પોતાનું નામ યાદીમાં છે કે નહીં તેની તપાસ કરવા અને નામ છૂટી ગયું હોય તો નિયમ મુજબ ફરી અરજી કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો