"પુસ્તક આવશે ત્યારે મોટો તમાશો થશે, હવે મારો વારો છે!" આત્મકથા રિલીઝ પહેલાં સોનિયા ગાંધીની ખુલ્લી ચેતવણી!

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાના જીવન પર આધારિત પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' (Belonging: A Journey of Love)ને લઈને સતત ચર્ચામાં છે. આ આત્મકથાના પ્રમોશન વચ્ચે સોનિયા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કરીને ખુલાસો કર્યો છે કે આ પુસ્તક બજારમાં આવ્યા બાદ ભારે હોબાળો મચવો નક્કી છે.
સોનિયા ગાંધીએ 'X' પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, "જ્યારે આ પુસ્તક આવશે, ત્યારે તમાશો થવો નક્કી છે. આખરે દાયકાઓ સુધી અન્ય લોકો મારી 'વાર્તા' કહેતા રહ્યા છે, હવે મારો વારો છે." 544 પાનાનું આ પુસ્તક આગામી 10 નવેમ્બર 2026ના રોજ પ્રકાશિત થવા જઈ રહ્યું છે. ભારતમાં આ પુસ્તકનું પ્રકાશન હાર્પરકોલિન્સ દ્વારા કરવામાં આવશે. આ પુસ્તકમાં ઇટાલીમાં તેમના બાળપણથી લઈને, 1965માં કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથેની પહેલી મુલાકાત, લગ્ન, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા, રાજકારણમાં તેમનો પ્રવેશ અને 2004માં વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કરવા સુધીના મહત્ત્વના પ્રકરણો આવરી લેવામાં આવ્યા છે.
શેર કરાયેલા વીડિયોમાં પોતાના અંગત અનુભવો વર્ણવતા સોનિયા ગાંધીએ કહ્યું કે, "મને ખબર નથી કે મારે મારી આખી વાત કહેવી જોઈએ કે નહીં... જ્યારે મારા પતિને વડાપ્રધાન બનવા માટે કહેવામાં આવ્યું ત્યારે હું તેની સંપૂર્ણ વિરુદ્ધ હતી."
તેમણે આગળ ખુલાસો કરતાં જણાવ્યું કે, "મેં અનુભવ્યું કે મારા વિશે ઘણું બધું લખાઈ ચૂક્યું છે, જેમાંથી ઘણી બાબતો સાચી નહોતી. કેટલીક વાતો ધરાર ઉપજાવી કાઢવામાં આવી હતી તો કેટલીક વાતો અતિશયોક્તિ સાથે રજૂ કરાઈ હતી. તેથી મને લાગ્યું કે હવે મારે મારી સાચી કહાની જાતે જ લખવી જોઈએ અને જે સ્થિતિ હતી તેને વાસ્તવિકતા સાથે રજૂ કરવી જોઈએ. આ મારો કોઈ અલગ પક્ષ નથી, પરંતુ મારી વાસ્તવિક જીવનયાત્રા છે."
કોંગ્રેસ નેતાએ ઉમેર્યું હતું કે આ પુસ્તક વાંચ્યા પછી કેટલાક લોકો તેમના વિશેનો અભિપ્રાય બદલી શકે છે, તો કેટલાકના વિચારો વધુ ખરાબ પણ થઈ શકે છે. પરંતુ આ હકીકત છે અને જ્યારે કોઈ પોતાના જીવન પર પુસ્તક લખે ત્યારે વિવાદ કે તમાશો થવો સ્વાભાવિક છે.










