Attari Border Retreat Ceremony/ જવાનોની જોશીલી પરેડ અને કરતબોએ લોકોમાં જોશ ભર્યો, 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નાદથી ગુંજી ઉઠી સરહદ

Republic Day 2026, Attari Wagah Border Retreat Ceremony: આજે પ્રજાસત્તાક દિવસના અવસરે અટારી-વાઘા બોર્ડર પર જે નજારો જોવા મળ્યો તે દરેક ભારતીયના દિલને સ્પર્શી રહ્યો છે. અટારી બોર્ડર પર 26 જાન્યુઆરીને સ્પેશિયલ ડે તરીકે ઉજવવામાં આવે છે. 77મા પ્રજાસત્તાક દિવસના ખાસ અવસરે અટારી-વાઘા બોર્ડર પર દેશભક્તિની અનોખી ઝલક જોવા મળી રહી છે. આ દિવસે યોજાતી રિટ્રીટ સેરેમની ખાસ હોય છે, કારણ કે શાળાના બાળકોના રંગારંગ કાર્યક્રમો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે.
સોમવારની સાંજે આ ખાસ અવસરે મોટી સંખ્યામાં પ્રવાસીઓ 'બીટિંગ ધ રિટ્રીટ' સેરેમની જોવા પહોંચ્યા હતા. અટારી સરહદ પર આ સેરેમની દરમિયાન BSF જવાનોમાં હાઈ જોશ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ઉમટેલા પ્રવાસીઓએ 'હિન્દુસ્તાન ઝિંદાબાદ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવી BSFના જાંબાઝ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રજાસત્તાક દિવસના આ ખાસ અવસરે લોકો ભારે ઉત્સાહિત દેખાતા હતા. પંજાબની અટારી સરહદ પર દેશભક્તિથી સભર વાતાવરણ જામ્યું હતું.
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સોમવારે સવારે અટારીની જોઈન્ટ ચેક પોસ્ટ પર સેક્ટર હેડક્વાર્ટર ખાનાના DIGએ તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને મીઠાઈ વહેંચી હતી. આ કાર્યક્રમમાં SS ખંડારે (IPS, ADG BSF), ડો. અતુલ ફુલઝેલે (IPS, ઇન્સ્પેક્ટર જનરલ, BSF પંજાબ ફ્રન્ટિયર) સહિતના અન્ય મહાનુભાવો અને મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

