22 દિવસમાં PM મોદી પર હુમલો... ; બિહારના બક્સરથી ત્રણ યુવાનોની ધરપકડ

બક્સર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને એક ખૂબ જ ગંભીર મામલો સામે આવ્યો છે. બિહારના બક્સર જિલ્લામાંથી પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી છે, મુખ્ય આરોપી સાયબર કાફે ચલાવે છે; તેણે જ યુએસ ગુપ્તચર એજન્સી, CIA ને ઇમેઇલ કરીને પીએમ મોદી પર હુમલો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આરોપીએ હુમલો કરવા માટે 22 દિવસનો સમય માંગ્યો હતો અને વધુમાં કરોડો રૂપિયાની માંગણી કરી હતી. યુએસ એજન્સીએ આ બાબત અંગે ભારત સરકારને ચેતવણી આપી હતી, જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
CIA ને મેઈલ કરી કરોડો રૂપિયા માંગ્યા
બક્સર એસપી શુભમ આર્યએ જણાવ્યું હતું કે, બક્સરના સિમરી પોલીસ સ્ટેશન વિસ્તારના આશા પણરી ગામનો રહેવાસી અમન નામનો યુવક સિમરીમાં જ સાયબર કાફે ચલાવે છે. આ યુવકે લાલચમાં આવીને અમેરિકી સુરક્ષા એજન્સી CIA ને એક મેઈલ મોકલ્યો હતો. આ મેઈલમાં તેણે પીએમ મોદીને નુકસાન પહોંચાડવાના બદલામાં કરોડો રૂપિયાની માંગણી કરી હતી અને આ કામ પૂરું કરવા માટે 22 દિવસનો સમય માંગ્યો હતો.
અમેરિકી એજન્સીએ ભારત સરકારને કરી જાણ
આ આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ યુવકના આ ઈમેઈલની ગંભીરતાને સમજીને તાત્કાલિક ભારત સરકારને આ અંગે જાણ કરી હતી. ભારત સરકાર તરફથી સૂચના મળતા જ બક્સર પોલીસ એક્શનમાં આવી હતી અને સાયબર કાફે ચલાવતા અમનની ધરપકડ કરી હતી.
વધુ બે સાથીદારોની પણ ધરપકડ
બક્સર એસપી શુભમ આર્યએ જણાવ્યું કે મુખ્ય આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય બે યુવકોના નામ પણ સામે આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તે બંનેની પણ ધરપકડ કરી લીધી છે. હાલ આ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
માનસિક સ્થિતિ અંગે શંકા
પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આરોપી યુવકની માનસિક સ્થિતિ બરાબર ન હોઈ શકે અથવા તેણે માત્ર પૈસાની લાલચમાં આવીને આ કૃત્ય કર્યું હોઈ શકે. જોકે, પીએમ મોદી જેવા ઉચ્ચ પદસ્થ વ્યક્તિની સુરક્ષાનો મામલો હોવાથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

