VIDEO : 'કપડા ફાડ્યા, દોડાવીને માર્યા', મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર હુમલો
પશ્ચિમ બંગાળના સોનારપુરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો થવાની, તેમના કપડા ફાંડ્યા હોવાની અને તેમના પર પત્થરથી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પરિસ્થિતિ વણસતા સુરક્ષાકર્મીઓએ તાત્કાલીક દોડી આવ્યા છે અને અભિષેકને હેલમેટ પહેરાવી તુરંત ત્યાંથી બહાર કાઢ્યા છે. આ દરમિયાન ત્યાં હાજર ભાજપના કાર્યકરોએ ટીએમસી નેતાને જોતાં જ 'ચોર-ચોર'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
સીઆઈડી ટીમ નોટિસ આપવા પહોંચી
આ ઘટના પહેલા પશ્ચિમ બંગાળમાં તપાસ એજન્સીઓ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. શનિવારે સીઆઈડી અને હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ વિધાનસભા નકલી સહી કેસની તપાસના મામલે કાનૂની નોટિસ આપવા માટે અભિષેક બેનર્જીના ઘરે પહોંચી હતી. જોકે તે સમયે અભિષેક બેનર્જી ત્યાં હાજર ન હોવાથી અધિકારીઓએ રાહ જોવી પડી હતી.
નોટિસ આપવા કાલીઘાટ દોડવું પડ્યું
અભિષેક સીઆઈડી પહોંચી તે નિવાસસ્થાને નહીં પરંતુ તેમના બીજા નિવાસ સ્થાન પર મીડિયા સામે આવ્યા હતા. તેમણે સીઆઈડીની કાર્યવાહી પર કટાક્ષ કરતા કહ્યું કે, 'હું છેલ્લા સાત વર્ષથી શાંતિનિકેતનમાં નથી રહેતો. જો કોઈએ મને નોટિસ આપવી હોય તો મારા કાલીઘાટના ઘરે આવવું પડશે.' આ નિવેદનની થોડી જ મિનિટોમાં સીઆઈડીની ટીમ કાલીઘાટ પહોંચી ગઈ હતી અને અભિષેક બેનર્જી નીચે આવતા જ તેમના હાથમાં કાનૂની નોટિસ સોંપી દીધી હતી.
કાનૂની પગલાં લેવાની વાત
નોટિસ સ્વીકાર્યા બાદ અભિષેક બેનર્જીએ તપાસ અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે વ્યંગમાં કહ્યું કે અધિકારીઓને એ પણ ખબર નથી કે હું ક્યાં રહું છું. તેમણે વધુમાં જણાવ્યું કે હું આ નોટિસ વાંચ્યા બાદ મારા વકીલ સાથે ચર્ચા કરીશ. જો મને પૂછપરછ માટે હાજર રહેવા કહેવામાં આવશે તો હું ચોક્કસ જઈશ અને મારા અધિકાર મુજબ જરૂરી કાનૂની પગલાં પણ ભરીશ.
એજન્સીઓને ધરપકડની ખુલ્લી ચેલેન્જ
કેન્દ્ર અને રાજ્યની તપાસ એજન્સીઓ પર ગુસ્સે ભરાયેલા ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ ખુલ્લી પડકાર ફેંકતા કહ્યું કે, અત્યાર સુધી માત્ર ઈડી અને સીબીઆઈ પાછળ પડી હતી, પરંતુ હવે તેમાં પોલીસ અને નગરપાલિકા પણ જોડાઈ ગયા છે. અમે ડરી જઈએ તેવા નથી. જો તેમનામાં હિંમત અને ક્ષમતા હોય તો તેઓ મારી ધરપકડ કરીને બતાવે, હું ક્યાંય ભાગી રહ્યો નથી.

