મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મળ્યો ઝટકો, આ મામલે નહીં મળે કોઈ રાહત 

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ઝટકો

અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મળ્યો ઝટકો, આ મામલે નહીં મળે કોઈ રાહત 

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ઝટકો લાગ્યો છે. સીએમ કેજરીવાલ તરફથી જેલમાં વકીલો સાથે અઠવાડિયામાં પાંચ વખત મળવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, કોર્ટે તેમને 1 એપ્રિલ સુધી બે તબક્કામાં ED રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. એ પછી 1 એપ્રિલે, કોર્ટે કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. હાલ સીએમ કેજરીવાલ તિહાડ જેલમાં છે. AAP સંયોજકે ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. જોકે, મંગળવારે કોર્ટે એ અરજી ફગાવી દેતા બુધવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.

આમ આદમી પાર્ટીનો મોટો દાવો

AAPએ દાવો કર્યો છે કે એક્સાઇઝ પોલિસીને કૌભાંડ ગણાવવું એ કેજરીવાલ અને તેમની પાર્ટીને ખતમ કરવાનું સૌથી મોટું રાજકીય કાવતરું છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં અરવિંદ કેજરીવાલને એવી જ રાહત આપશે જે રીતે તેમણે પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને જામીન આપ્યા હતા.

સુનિતા કેજરીવાલ સીએમને મળ્યા હતા

હાઈકોર્ટે અરજી ફગાવી દીધા બાદ કેજરીવાલના પત્ની સુનીતા અને તેમના અંગત સચિવ બિભવ કુમાર તિહાડ જેલમાં મળ્યા હતા. 1 એપ્રિલ પછી કેજરીવાલ સાથે તેમની આ પહેલી અંગત મુલાકાત હતી. જેલના નિયમો અનુસાર, એક કેદી અઠવાડિયામાં બે વાર રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી મુલાકાતીઓને મળી શકે છે.

આ સમાચાર શેર કરો