મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

માફીનામું, શાંતિ બોન્ડ અને જંતર-મંતર પર ન જવાની શરત: સૌરવ દાસ અને આશુતોષ રાંકાને આખરે આ શરતો પર મળ્યા જામીન

માફીનામું, શાંતિ બોન્ડ અને જંતર-મંતર પર ન જવાની શરત: સૌરવ દાસ અને આશુતોષ રાંકાને આખરે  આ શરતો પર મળ્યા જામીન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવા બદલ કસ્ટડીમાં લેવાયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને ૮ દિવસ બાદ આખરે તિહાર જેલમાંથી મુક્તિ મળી છે. દિલ્હીની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટે બંને નેતાઓને કેટલીક કડક શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે. દિલ્હી પોલીસે તેમની ન્યાયિક કસ્ટડી વધુ ત્રણ દિવસ લંબાવવાની માંગણી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

આકરી શરતોને આધીન મળી મુક્તિ:

કોર્ટે બંને નેતાઓને રાહત આપતા નીચે મુજબની મહત્વપૂર્ણ શરતોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે:

  • રૂ. ૫૦-૫૦ હજારનો અંગત મુચરકો: બંને નેતાઓએ પચાસ-પચાસ હજાર રૂપિયાના અંગત મુચરકા (Personal Bond) રજૂ કર્યા અને જામીનદાર હાજર કર્યા.

  • શાંતિ જાળવવાની લેખિત બાંહેધરી: બંને નેતાઓએ અદાલતમાં લેખિત આશ્વાસન આપ્યું કે તેઓ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરશે તેમજ શાંતિ ભંગ કરશે નહીં.

  • જંતર-મંતર પર પ્રદર્શન નહીં બોલાવે: જ્યાં સુધી જંતર-મંતરને સત્તાવાર અને કાનૂની રીતે ફરી પ્રદર્શન સ્થળ જાહેર ન કરાય, ત્યાં સુધી તેઓ ત્યાં પ્રદર્શન માટે લોકોને એકત્ર નહીં કરે.

  • બંધારણના દાયરામાં વિરોધ: ભવિષ્યમાં કોઈપણ વિરોધ પ્રદર્શન માત્ર ને માત્ર બંધારણીય મર્યાદાઓમાં રહીને જ કરવાની બાંહેધરી આપી.

  • દરેક સુનાવણીમાં હાજરી: કેસની દરેક સુનાવણી વખતે બંને નેતાઓએ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવું પડશે.

પોલીસની કસ્ટડી અરજી ફગાવી

બંને નેતાઓની અગાઉની કસ્ટડી મુદત પૂર્ણ થતાં તેમને SEM કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે વધુ ૩ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે જામીનદારોની ઉપસ્થિતિ અને નેતાઓના લેખિત આશ્વાસનને ધ્યાને રાખીને વધુ કસ્ટડીની જરૂરિયાત નકારી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે જામીન મળવાનો અર્થ કેસમાંથી નિર્દોષ મુક્ત થવું નથી. આ મામલાની આગામી સુનાવણી ૨૩ ઑક્ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં દિલ્હી પોલીસે જામીનદારો અંગેનો વેરિફિકેશન રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.

આ સમાચાર શેર કરો