મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દુર્ગા વિસર્જનમાં માતમ: હાઈટેન્શન વાયર અડતાં ટ્રેક્ટર-ટ્રોલીમાં દોડ્યો કરંટ, બે સગા ભાઈ સહિત ૩ના કમકમાટીભર્યા મોતથી હાહાકાર!

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. ગુલરિહા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલ અયોધ્યા પ્રસાદ ચૌહાણ ટોલા નજીક બુધવારે સાંજે ટ્રેક્ટર-ટ્રોલી પર સવાર લોકો અચાનક હાઈટેન્શન વીજ વાયરની અડફેટે આવી ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં કરંટ લાગવાને કારણે 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 11 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે BRD મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે.

મૂર્તિ વિસર્જન વખતે અચાનક વીજ તાર અડતાં મચી નાસભાગ

મળતી વિગતો મુજબ, બુધવારે સાંજે સ્થાનિક શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર થઈને ઉત્સાહભેર દુર્ગા મૂર્તિ વિસર્જન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન જંગલ અયોધ્યા પ્રસાદ ચૌહાણ ટોલા પાસેથી પસાર થતી વખતે ટ્રેક્ટર પર સવાર લોકો ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવી ગયા હતા. વીજ કરંટનો જોરદાર આંચકો લાગતાં જ લોકોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

બે સગા ભાઈ સહિત 3 યુવકોના કરુણ મોતથી પરિવારમાં કલ્પાંત

આ અકસ્માત એટલો ભયાનક હતો કે હોસ્પિટલ પહોંચતાં જ તબીબોએ 3 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં બે સગા ભાઈઓ અને એક તેમના માસીયાઈ ભાઈનો સમાવેશ થાય છે. એક જ પરિવારના 3 આશાસ્પદ યુવાનોના અકાળે મોત થતાં પરિવારજનોમાં ભારે કલ્પાંત ફેલાયો છે અને સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે. બીજી તરફ, કરંટથી દાઝી ગયેલા અન્ય તમામ લોકો હાલ BRD મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે, જ્યાં કેટલાકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

BRD મેડિકલ કોલેજ બહાર પરિજનોનો વિરોધ, ડીએમ અને એસએસપી દોડ્યા

દુર્ઘટના બાદ રોષે ભરાયેલા પીડિત પરિવારો અને સ્થાનિક લોકો BRD મેડિકલ કોલેજના મુખ્ય ગેટ પાસે રસ્તા પર બેસી ગયા હતા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. મામલાની ગંભીરતા અને લોકોના ભારે રોષને જોતાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) દીપક મીણા અને એસએસપી (SSP) ડૉ. કૌસ્તુભ તાબડતોબ હોસ્પિટલ પહોંચ્યા હતા. અધિકારીઓએ પ્રદર્શન કરી રહેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

 

આ સમાચાર શેર કરો