Israel Iran War: એર ઈન્ડિયાએ તેલ અવીવની ફ્લાઈટ આ તારીખ સુધી કરી સ્થગિત
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને જોતા ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી તેલ અવી

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને જોતા ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી તેલ અવીવ માટે તેની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. એર ઈન્ડિયાએ આ અંગેની જાણકારી આપી છે.
એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી તેલ અવીવ આવતી અને જતી ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ તથા અમારા પેસેન્જરોને સહાય પૂરી પાડી રહ્યા છીએ. કંપનીએ કહ્યું કે ગ્રાહકો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આ પહેલા વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરી હતી. વિદેશ મંત્રાલયે ભારતીયોને આગામી સૂચના સુધી ઈરાન અને ઈઝરાયેલની યાત્રા ન કરવાની સલાહ આપી હતી. સાથે કહ્યું હતું કે, આ દેશોમાં રહેતા ભારતીયોએ તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ.
ફ્લાઈટ્સ 3 માર્ચથી શરૂ કરવામાં આવી હતી
ટાટા ગ્રૂપની એરલાઈન એર ઈન્ડિયાએ લગભગ 5 મહિનાના અંતરાલ પછી 3 માર્ચે ઈઝરાયેલની રાજધાની માટે ફરી સેવા શરૂ કરી હતી, પરંતુ ફરી એકવાર હુમલાથી ફ્લાઈટ્સની સેવા ખોરવાઈ છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલ પર હમાસના હુમલાને ધ્યાનમાં રાખીને 7 ઓક્ટોબર, 2023થી સૌપ્રથમ તેલ અવીવની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી હતી.






