અરવિંદ કેજરીવાલ બાદ હવે પત્ની પણ મુશ્કેલીમાં, સુનિતા સામે શા માટે થઈ ફરિયાદ?
કથિત દિલ્હી દારૂ કૌભાંડમાં તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં સજા ભોગવી રહેલા

કથિત દિલ્હી દારૂ કૌભાંડમાં તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં સજા ભોગવી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી, હવે તેમની પત્ની સુનીતા કેજરીવાલ માટે પણ સંકટ વધી રહ્યું છે. સુનીતા કેજરીવાલ વિરુદ્ધ એક વકીલે જિલ્લા ન્યાયાધીશને ફરિયાદ કરી છે. આરોપ છે કે તેણે અરવિંદ કેજરીવાલને લગતી કોર્ટની કાર્યવાહી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફરિયાદમાં તે ઘટનાનો ઉલ્લેખ છે જ્યારે કેજરીવાલને 28 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સુનીતા કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ કરનાર વકીલનું નામ વૈભવ સિંહ છે. તેણે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ અંગે કોર્ટની સુનાવણીનું રેકોર્ડિંગ પરવાનગી વિના કરવામાં આવ્યું હતું અને તેને સુનીતા અને અન્ય નેતાઓએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. વૈભવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કાનૂની નોટિસ પણ મોકલી છે જેમાં આ કેસ સંબંધિત કોર્ટની કાર્યવાહીનો વીડિયો હટાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે સુનીતા અને અન્ય નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુનીતા સહિત આ લોકો સામે ફરિયાદ નોંધાઈ
સુનીતા કેજરીવાલ સિવાય આ ફરિયાદ X યુઝર્સ અક્ષય અને અરુણેશ કુમાર, વોર્ડ 11 તિમારપુર કાઉન્સિલર પ્રોમિલા ગુપ્તા, રાજસ્થાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ વિનીતા જૈન વિરુદ્ધ કરવામાં આવી છે. જેમાં આ લોકો અને રાજકીય પક્ષો સામે જાણીજોઈને કોર્ટના વીડિયો કોન્ફરન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવા અને આ મામલે ઝીણવટભરી તપાસની માંગ કરવામાં આવી છે. ફરિયાદી અનુસાર, વિરોધ પક્ષોએ આ કેસને નબળો પાડવા માટે આ કાર્ય કર્યું હતું.
‘લોકોની સહાનુભૂતિ મેળવવા માટે રેકોર્ડિંગ’
28 માર્ચે અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં બેંચને સંબોધિત કરી હતી. તે સમયે, દારૂની નીતિ મામલે તેમણે આપેલા નિવેદનનું વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ X (અગાઉનું ટ્વિટર) પર #MoneyTrailExposedByKejriwal હેશટેગ સાથે શેર કરવામાં આવ્યું હતું. વૈભવ સિંહે આરોપ લગાવ્યો છે કે આ ષડયંત્ર પહેલાથી જ ઘડવામાં આવ્યું હતું. લોકોની સહાનુભૂતિ મેળવવા માટે આ રેકોર્ડિંગ્સ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.








