મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

18 મહિના બાદ જેલમાંથી મુક્ત થયા AAP નેતા સત્યેન્દ્ર જૈન, મુખ્યમંત્રી સહિતના નેતાઓ મળવા પહોંચ્યા

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આપ પક્ષના નેતા સત્યેન્દ્ર જૈન 18 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા

18 મહિના બાદ જેલમાંથી મુક્ત થયા AAP નેતા સત્યેન્દ્ર જૈન, મુખ્યમંત્રી સહિતના નેતાઓ મળવા પહોંચ્યા

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આપ પક્ષના નેતા સત્યેન્દ્ર જૈન 18 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ મામલે તેમના શરતી જામીન મંજૂર કર્યા છે. શરત હેઠળ સત્યેન્દ્ર જૈને બોન્ડ પેટે રૂ. 50,000 જમા કરાવવાના રહેશે. 

જામીન આપતાં હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈનની લાંબા સમયથી કસ્ટડીમાં હોવાનો હવાલો આપ્યો છે અને મનીષ સિસોદિયાના મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લેતાં મૌલિક અધિકાર રૂપે ત્વરિત સુનાવણી કરવાના હક પર ભાર મૂક્યો છે.

સત્યેન્દ્ર જૈને જેલની બહાર સમર્થકોને સંબોધતા તેમણે કહ્યું કે તમામ નેતાઓ બહાર આવી ગયા છે. બધા કામ પૂરા કરીને બતાવશે. અરવિંદ કેજરીવાલે યમુના નદીને સાફ કરવાનું વચન આપ્યું હતું.

સત્યેન્દ્ર જૈને કહ્યું કે, "અરવિંદે પહેલા જ કહ્યું હતું કે આ આગની નદી છે તો તમારે જેલમાં પણ જવું પડશે. આજે આ દેશના સામાન્ય માણસે એક નેશનલ પાર્ટી બનાવી. તે દેશ વિશે વિચારવા માટે બનાવવામાં આવી હતી.

આ સાથે તેણે કહ્યું કે, “ચિંતા ન કરો. અરવિંદ કેજરીવાલ જી બહાર આવ્યા છે. મનીષ જી બહાર આવી ચૂક્યા છે. સંજય સિંહ બહાર છે. હું પણ બહાર આવ્યો છું. બાકી રહેલ તમામ કામ હું પૂર્ણ કરીશ."

જ્યારે તેઓ કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે સીએમ આતિશીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, "આતિશી હાર્વર્ડમાંથી અભ્યાસ કરીને પાછી આવી. તેમને પણ જેલમાં જવું પડશે." આ સાંભળીને સિસોદિયા અને સંજય સિંહ હસવા લાગ્યા.

કોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતા પર ભાર મૂક્યો


કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતાં વ્યક્તિગત સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. ખાસ કરીને પીએમએલએ જેવા કડક કાયદા સંબંધિત મામલામાં વ્યક્તિની સ્વતંત્રતાને ધ્યાનમાં લેવી આવશ્યક છે. કોર્ટે મનીષ સિસોદિયા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધાર બનાવતાં જામીન મંજૂર કર્યા છે.

મની લોન્ડરિંગ કેસમાં થઈ હતી ધરપકડ


સત્યેન્દ્ર જૈનની ઈડીએ 30 મે, 2022ના રોજ કથિત રૂપે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. જેમાં જૈનના નામે 4 કંપનીઓના માધ્યમથી મની લોન્ડરિંગ થયુ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2017માં સીબીઆઈ દ્વારા આ કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. આપના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા પણ મની લોન્ડરિંગ કેસ હેઠળ જેલમાં બંધ હતા. જેમને હાલમાં જ જામીન આપવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો