મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહાર SIRમાં ડોક્યુમેન્ટ તરીકે આધારકાર્ડ સ્વીકારવું પડશે, ચૂંટણી પંચને સુપ્રીમનો આદેશ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન

બિહાર SIRમાં ડોક્યુમેન્ટ તરીકે આધારકાર્ડ સ્વીકારવું પડશે, ચૂંટણી પંચને સુપ્રીમનો આદેશ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ચૂંટણી પંચે આધાર કાર્ડ સ્વીકારવું જ પડશે. કોર્ટે આદેશ આપ્યો કે, મતદાર યાદી માટે ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન મતદારો દ્વારા આપવામાં આવેલા 11 ડોક્યુમેન્ટ અથવા પછી આધારને સ્વીકારવા પડશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે અમે આધાર કાર્ડ અથવા બિહાર માટે અન્ય કોઈપણ સ્વીકાર્ય દસ્તાવેજ સાથએ હટાવેલા મતદાતાઓના દાવાઓને ઓનલાઈન રજૂ કરવાની મંજૂરી આપીશું.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો SIR પ્રક્રિયા દરમિયાન કાઢી નાખવામાં આવેલા મતદારોના નામ સુધારવા માટે આગળ ન આવતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું. કોર્ટે ચૂંટણી પંચના નિવેદનની નોંધ લીધી છે કે SIR ઝુંબેશમાં 85,000 નવા મતદારો સામે આવ્યા છે. રાજકીય પક્ષોના બૂથ-સ્તરના એજન્ટો દ્વારા ફક્ત બે વાંધા દાખલ કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે બિહારના તમામ 12 રાજકીય પક્ષો પાર્ટી કાર્યકરોને ફોર્મ 6 અથવા આધાર કાર્ડ જેવા 11 દસ્તાવેજોમાંથી કોઈપણ સાથે જરૂરી ફોર્મ ભરવા અને સબમિટ કરવામાં લોકોને મદદ કરવા માટે ચોક્કસ સૂચનાઓ આપી છે.
 
કોર્ટે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ પોતે અથવા BLA (બૂથ લેવલ એજન્ટ) ની મદદથી ઓનલાઈન અરજી કરવી. અરજી ભૌતિક સ્વરૂપમાં સબમિટ કરવી જરૂરી નથી. તમામ રાજકીય પક્ષોના BLA ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ 1 સપ્ટેમ્બર સુધીમાં ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ ન હોય તેવા લગભગ 65 લાખ લોકોને તેમના વાંધા નોંધાવવાની સુવિધા પૂરી પાડવામાં આવે, સિવાય કે તેમાંથી જે મરી ચૂક્યા છે કે પછી સ્વેચ્છઆએ સ્થળાંતરણ કરી ચૂક્યા છે.
 
બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જે અગાઉ ચૂંટણી પંચ મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે મોટા પાયે SIR નામની પ્રક્રિયા ચલાવી રહ્યું છે. આ અંતર્ગત અગાઉ મતદારો પાસેથી 11 પ્રકારના દસ્તાવેજો માંગવામાં આવતા હતા, જેમાં આધાર કાર્ડનો સમાવેશ થતો ન હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ દસ્તાવેજોમાં પણ આધારનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે તાજેતરમાં કાઢી નાખવામાં આવેલા 65 લાખ મતદારોના નામ પણ પ્રકાશિત કર્યા છે.
 
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે, બિહારના 65 લાખ મતદારોના નામ અને વિગતો, જેમનો 1 ઓગસ્ટના રોજ પ્રકાશિત ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ થયો ન હતો, તેનું લિસ્ટ રાજ્યના તમામ 38 જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, યાદીમાં તેમના નામનો સમાવેશ ન થવાના કારણો પણ શામેલ છે, જેમાં મૃત્યુ, સામાન્ય રહેઠાણનું સ્થાનાંતરણ અથવા ડુપ્લિકેટ એન્ટ્રીનો સમાવેશ થાય છે.  

ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીઓ આરજેડી સાંસદ મનોજ ઝા, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR), PUCL, કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ, તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રા અને બિહારના ભૂતપૂર્વ ધારાસભ્ય મુજાહિદ આલમ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીઓમાં ચૂંટણી પંચના 24 જૂનના નિર્દેશને રદ કરવાનો નિર્દેશ માંગવામાં આવ્યો હતો, જેના હેઠળ બિહારના મતદારોના એક મોટા વર્ગને મતદાર યાદીમાં રહેવા માટે નાગરિકતાનો પુરાવો રજૂ કરવો જરૂરી છે. અરજીઓમાં આધાર અને રેશનકાર્ડ જેવા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા દસ્તાવેજોને મતદાર યાદીમાંથી બાકાત રાખવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે આનાથી ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા મતદારો, ખાસ કરીને ગ્રામીણ બિહારમાં, અપ્રમાણસર રીતે અસર થશે.

આ સમાચાર શેર કરો