મહારાષ્ટ્રમાં ચૂંટણી ટાણે જ BJPના એક મોટા નેતાનું રાજીનામુ, ઉદ્ધવ ઠાકરે સાથે જોડાવાના એંધાણ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ પક્ષો ઉમેદવારોના નામની યાદી બ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ પક્ષો ઉમેદવારોના નામની યાદી બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. દરમિયાન, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં ભાજપ નેતા રાજન તેલીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજન તેલી ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UTB)માં જોડાઈ શકે છે.
રાજન તેલીએ નારાયણ રાણે પર સાધ્યું નિશાન
રાજન તેલી સાવંતવાડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના પ્રભારી હતા. તેમણે છેલ્લા 10 વર્ષોમાં ભાજપ માટે સખત મહેનત કરી હોવાનો દાવો કર્યો હતો, જોકે રત્નાગિરી-સિંધુદુર્ગ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમનો પરિવાર ભાજપમાં જોડાયા બાદ તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હું રાજકારણમાં પરિવારવાદનો વિરોધી: રાજન
નારાયણ રાણેના પુત્ર નીલેશ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવા માટે વિધાનસભાની ચૂંટણી લડવાની સંભાવના અંગેના અહેવાલોનો ઉલ્લેખ કરતા તેલીએ કહ્યું કે, હું એક જ પરિવારના સભ્યોને લોકસભા અને વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવાના વિરોધમાં છું.
રાજન અગાઉ શિવસેનામાં હતા
રાણેના નાના પુત્ર નિતેશ સિંધુદુર્ગ જિલ્લાના કંકાવલીથી ધારાસભ્ય છે. તેમને ત્યાંથી ટિકિટ મળે તેવી શક્યતા છે. જો કે, અહેવાલો મુજબ નિલેશને શિવસેના હેઠળની બેઠક પરથી મેદાનમાં ઉતારાશે. મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકોમાંથી 75 કોંકણ પ્રદેશમાં છે, જેમાં મુંબઈની 36 બેઠકો સામેલ છે. રાજન અગાઉ ભાગલા પહેલાની શિવસેનામાં હતાં.
મહારાષ્ટ્ર-ઝારખંડમાં નવેમ્બરમાં ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે એક તબક્કામં મતદાન યોજાશે જ્યારે ઝારખંડમાં તા.13મી નવેમ્બર તથા 20મી નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. બંને રાજ્યોની મતગણતરી તા.23મી નવેમ્બરે યોજાવાની છે. આ વિધાનસભા ચૂંટણીઓની સાથે અલગ અલગ રાજ્યોની 48 વિધાનસભા બેઠકો ઉપરાંત મહારાષ્ટ્રના નાંદેડ સહિત બે લોકસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન યોજાશે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડમાં 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં 9.63 કરોડ જ્યારે ઝારખંડમાં 2.6 કરોડ મતદારો મતદાન કરવાના છે.








