Video: એરપોર્ટમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરનાર ઝડપાયો

હરિયાણાના એક વ્યક્તિને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પકડી લેવામાં આવ્યો છે. તે વિઝા અને માન્ય પ્રવાસ દસ્તાવેજો વિના ટર્મિનલ થ્રીમાં બળજબરીથી ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સૌપ્રથમ તે એન્ટ્રી ગેટ પર ચેકિંગ સ્ટાફને ચકમો આપીને અંદર ઘૂસી ગયો અને ત્યારબાદ અંદરની તરફ દોડવા લાગ્યો. તેની આ હરકત જોઈને ક્યૂઆરટી સતર્ક થઈ ગઈ અને સુરક્ષામાં તૈનાત CISFના જવાનોએ તેને ઘેરીને ઝડપી લીધો હતો.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યક્તિ કોઈપણ કિંમતે વિદેશ જવા માંગતો હતો. વિદેશ પ્રવાસ માટે જરૂરી વિઝા અને અન્ય માન્ય દસ્તાવેજો તેની પાસે ન હોવાથી તેણે નિયમોને અવગણીને સીધો એરપોર્ટની અંદર ઘુસવાનો રસ્તો પસંદ કર્યો. હાલમાં CISF તરફથી કરવામાં આવેલી ફરિયાદના આધારે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સુરક્ષા ટીમો તેની પૂછપરછ કરી રહી છે. ઝડપાયેલા યુવકની ઓળખ હરિયાણાના સોનીપત જિલ્લાના રહેવાસી કુણાલ તરીકે થઈ છે. કુણાલ એક એથ્લેટ છે અને હાલમાં પશ્ચિમ બંગાળમાં રહીને ટ્રેનિંગ લઈ રહ્યો છે.







