'મારી બેગમાં બોમ્બ છે...', લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરે આપી ધમકી
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લંડનનો પ્રવાસ કરી રહેલા એક યાત્રીએ સ્ટાફને બતાવ્યું કે, તેની બેગમાં બોમ્બ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લંડનનો પ્રવાસ કરી રહેલા એક યાત્રીએ સ્ટાફને બતાવ્યું કે, તેની બેગમાં બોમ્બ છે. આ પછી ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. એર ઈન્ડિયાના સ્ટાફને પ્રવાસી મુસાફરે ટ્રાન્ઝિટ ચેકિંગ દરમિયાન કહ્યું કે, તેની બેગમાં બોમ્બ છે. એરલાઈન્સ સ્ટાફ દ્વારા તાત્કાલિક સચેત થઈને 'બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી'ને જાણ કરી દેવામાં આવી હતી. તેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમે તરત જ પેસેન્જરની બેગ તપાસવાનું શરૂ કર્યું જેથી બોમ્બને કાઢી શકાય.
જો કે હજુ સુધી એ માહિતી સામે આવી નથી કે પેસેન્જરની બેગમાં ખરેખર બોમ્બ હતો કે નહીં. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બોમ્બ હોવાની વાતો માત્ર અફવા હોય છે. ભૂતકાળમાં પણ ઘણા મુસાફરોએ ફ્લાઈટમાં અને ચેકિંગ દરમિયાન આવી ધમકીઓ આપી છે, પરંતુ તપાસ દરમિયાન તેમની બેગમાંથી કંઈ મળ્યું નથી. પરંતુ જ્યારે બોમ્બની ધમકી મળે ત્યારે એરપોર્ટ પ્રશાસને નિયમો અનુસાર તાત્કાલિક પગલાં લેવા પડતા હોય છે. એસઓપી મુજબ બેગ અને મુસાફરની તપાસ કરવાની હોય છે.
જણાવી દઈએ કે, લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બોમ્બની ધમકી અફવા હતી. જે વ્યક્તિએ પોલીસને ફોન કરીને ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી આપી હતી, તેની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફોન કરનાર શંકાસ્પદ વ્યક્તિ તેના પરિવાર સાથે કોચીથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર થવાનો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ 30 વર્ષીય સુહૈબ તરીકે થઈ છે, જે એર ઈન્ડિયા સ્ટાફની નબળી સર્વિસથી નારાજ હતો. જ્યારે તે લંડનથી કોચી આવ્યો ત્યારે તેને ફ્લાઈટમાં આપવામાં આવતી સુવિધાઓથી તે નાખુશ થતાં તેણે પોલીસને ફોન કર્યો અને ફ્લાઈટમાં બોમ્બ હોવાની નકલી માહિતી આપી. સુહૈબ લંડનમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. આરોપી તાજેતરમાં રજાઓ ગાળવા કેરળ આવ્યો હતો.






