Video: આસામના કાઝીરંગામાં ભયાનક અકસ્માત

આસામના કાઝીરંગામાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક કન્ટેનર ટ્રક અને મિની બસ વચ્ચે સામસામે થયેલી ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, મિની બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના મુસાફરો વિદ્યાર્થીઓ હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે મિની બસનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે મિની બસ બોકાખાટથી નાગાંવ તરફ જઈ રહી હતી. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક રહેવાસીઓ અને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક કોહોરા મોડેલ હોસ્પિટલખાતે ખસેડવામાં આવ્યા હતા. જે મુસાફરોની હાલત અત્યંત ગંભીર હતી, તેમાંથી મોટાભાગના લોકોને વધુ સારવાર માટે જોરહાટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.







