જેલમાં બંધ અમૃતપાલથી લઈને ઈન્દિરાના હત્યારાના દિકરા સુધી... આ સીટો પર અપક્ષોએ દિગ્ગજ પાર્ટીઓને હરાવી
લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ સૌ કોઈને અચરજમાં મૂક્યા છે. એકબાજુ ચૂંટણીમાં અનેક દિગ્ગજ અને પ્રચલિત દિગ્ગજ નેતાઓએ હારનો સામનો

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ સૌ કોઈને અચરજમાં મૂક્યા છે. એકબાજુ ચૂંટણીમાં અનેક દિગ્ગજ અને પ્રચલિત દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કર્યો છે, જ્યારે બીજી બાજુ આ ચૂંટણીમાં અમુક ઉમેદવારો એવા પણ છે કે, જેઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને બહુમતી સાથે જીત હાંસલ કરી છે. અપક્ષમાં જીત મેળવનાર ઉમેદવારોમાં ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહ, કાશ્મીર નેતા એન્જિનિયર રાશિદ અને ઈન્દિરા ગાંધીના હત્યારા બેઅંત સિંહનો પુત્ર સરબજીત સિંહ ખાલસા પણ સામેલ છે.
અપક્ષ સાંસદોની સંખ્યા વધી
2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષના ચાર ઉમેદવારો સંસદ પહોંચ્યા હતા. જ્યારે 2014માં 3 અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. આ વખતે અપક્ષના ઓછામાં ઓછા 7 નેતાઓ સંસદ પહોંચ્યા છે.
મોહમ્મદ હનીફાઃ લદ્દાખ બેઠક પરથી અપક્ષના ઉમેદવાર મોહમ્મદ હનીફાએ કોંગ્રેસ ઉમેદવાર શેરિંગ નામગ્યાલને હરાવ્યા છે. હનીફાએ 27862 મતો સાથે જીત મેળવી છે.
એન્જિનિયર રાશિદઃ બારામૂલા બેઠકમાંથી અપક્ષના ઉમેદવાર એન્જિનિયર અબ્દુલ રાશિદ શેખે જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ ગની લોનને માત આપી છે. અબ્દુલ રાશિદ શેખે ઉમર અબ્દુલ્લાને 2 લાખ મતોની જંગી બહુમતી સાથે હરાવ્યા છે.
અમૃતપાલ સિંહઃ વારિસ પંજાબ દ સંગઠનના વડા અને ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહે ખડૂર સાહિબ બેઠક પરથી જીત મેળવી છે. અમૃતપાલ સિંહ અસમના દિબ્રુગઢની જેલમાં બંધ છે. જેણે કોંગ્રેસના કુલબીર સિંહ જીરાને 1.97 લાખ મતોથી હરાવ્યા છે.
ઉમેશભાઈ બાબુભાઈ પટેલઃ દમણ અને દીવ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલે ભાજપના લાલુભાઈ બાબુભાઈ પટેલને 6225 મતોથી હરાવ્યા છે. આ બેઠક પર 15 વર્ષ બાદ ભાજપની હાર થઈ છે.
વિશાલ પ્રકાશબાબુ પાટિલઃ મહારાષ્ટ્રની સાંગલી લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર વિશાલ (દાદા) પ્રકાશબાબુ પાટિલે ભાજપના સંજય કાકા પાટિલને 1 લાખથી વધુ મતોની બહુમતી સાથે હરાવ્યા છે. વિશાલ પાટિલને 5.71 લાખથી વધુ મત મળ્યા હતા.
સરબજીત સિંહ ખાલસાઃ પંજાબની ફરીદકોટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર સરબજીત સિંહ ખાલસાએ આમ આદમી પાર્ટીના કરમજીત સિંહ અનમોલને 70 હજારથી વધુ મતો સાથે હરાવ્યા છે. સરબજીત સિંહ ખાલસા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હત્યારા બેઅંત સિંહના પુત્ર છે.
રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવઃ પપ્પુ યાદવ બિહારની પૂર્ણિમા બેઠક પરથી 56.75 લાખની જંગી બહુમતી સાથે વિજયી થયા છે. પપ્પુ યાદવે તેના હરીફને 23847 મતોથી હરાવ્યા છે. તે અગાઉ બે વખત અપક્ષના સાંસદ રહી ચૂક્યા છે. 1991 અને 1999માં તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી.
1957માં સૌથી વધુ અપક્ષ જીત્યા હતા
25 વર્ષથી વધુ વય ધરાવતા કોઈપણ ભારતીય નાગરિક લોકસભા ચૂંટણી લડી શકે છે. જેમાં અપક્ષના સૌથી વધુ 42 ઉમેદવારો 1957ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા. અગાઉ 1952ની ચૂંટણીમાં 37 અપક્ષ ઉમેદવારો જીત્યા હતાં. 1962માં 20, 1967માં 35, 1971માં 14 અને 1989માં 12 અપક્ષ ઉમેદવારોની જીત હાંસલ કરી હતી. 1991ના લોકસભા ચૂંટણીમાં માત્ર એક જ અપક્ષ ઉમેદવાર ચૂંટાયો હતો.








