લોકસભા ચૂંટણીમાં કિંગ મેકર બનતા જ ચંદ્રાબાબુ નાયડુની પત્નીને થયો ફાયદો, પાંચ દિવસમાં સંપત્તિ 535 કરોડ વધી
લોકસભાની ચૂંટણીમાં JDUના નીતિશ કુમાર અને TDPના ચંદ્રાબાબુ નાયડુ કિંગમેકર સાબિત થયા છે

લોકસભાની ચૂંટણીમાં JDUના નીતિશ કુમાર અને TDPના ચંદ્રાબાબુ નાયડુ કિંગમેકર સાબિત થયા છે. ચંદ્રાબાબુ નાયડુ આંધ્ર પ્રદેશમાં પણ સરકાર બનાવવા જઇ રહ્યા છે. આ ચૂંટણી પરિણામો વચ્ચે ચંદ્રાબાબુ નાયડુના પત્નીની સંપત્તિમાં પાંચ જ દિવસમાં 535 કરોડનો ઉછાળો થયો છે જ્યારે તેમના પુત્રને 237 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આમ થવા પાછળનું કારણ ચંદ્રાબાબુની કંપની છે.
ચંદ્રાબાબુની કંપનીના શેરમાં ઉછાળો
ચૂંટણી પરિણામો જાહેર થયા તે બાદ ચંદ્રાબાબુની કંપની હેરિટેજ ફૂડ્સના શેરમાં છેલ્લા પાંચ જ દિવસમાં 55 ટકાનો ઉછાળો આવ્યો છે. એફએમસીજી નામની આ કંપનીમાં ચંદ્રબાબુના પત્ની નારા ભુવનેશ્વરી 24.37 ટકા શેર ધરાવે છે. લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શેરોમાં મોટો ઉછાળો આવ્યો હતો જેને કારણે કંપનીના પ્રમોટર અને નાયડુના પત્નીની સંપત્તિમાં 535 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ છે. તેમની પાસે 2.26 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે 3.4 કિલો સોનુ અને 41.5 કિલો ચાંદી પણ છે.
આ કંપનીની સ્થાપના ચંદ્રાબાબુ નાયડુ દ્વારા વર્ષ 1992માં કરવામાં આવી હતી, ચૂંટણી પરિણામો જાહેર થયા તે પહેલા 3 જૂનના રોજ શેર 424 રૂપિયા પર વેપાર કરી રહ્યા હતા. જે હાલ વધીને 661.25 રૂપિયા પર છે. મુખ્યત્વે ડેરી પ્રોડક્ટ સાથે આ કંપની જોડાયેલી છે. જેમાં દુધનું વિતરણ મુખ્ય વ્યવસાય છે. દરમિયાન નાયડુના પુત્ર નારા લોકેશ પાસે પણ કંપનીમાં 10037453 શેર છે. શેરમાં ઉછાળા બાદ લોકેશની કુલ સંપત્તિમાં પણ 237.8 કરોડ રૂપિયાની વૃદ્ધિ જોવા મળી હતી. આંધ્ર પ્રદેશમાં ટીડીપીની સરકાર બનવા જઇ રહી છે. સાથે જ કેન્દ્રમાં પણ સરકાર બનાવવામાં ટીડીપી મહત્વપૂર્ણ ગણાય છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ પાંચ વર્ષ પછી સત્તામાં પરત ફરી રહ્યાં છે.






