સલમાનની હત્યા માટે 25 લાખમાં અપાઇ હતી સોપારી, ચાર્જશીટમાં ખુલાસો
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર રચવા મામલે પોલીસે ચાર્જશીટ દાખલ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર રચવા મામલે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે દાવો કર્યો કે સલમાન ખાનને મહારાષ્ટ્રના પનવેલ સ્થિત તેના ફાર્મ હાઉસ પાસે મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સલમાન ખાનની હત્યા માટે 25 લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. આ સોપારી ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ આપી હતી. આ કેસમાં પોલીસે 5 લોકોના નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપી ઘટનાને અંજામ આપવા માટે એકે-47, એકે-92 અને એમ-16 જેવા ખતરનાક હથિયાર પાકિસ્તાનથી લાવવાની તૈયારીમાં હતા.
આ સિવાય તુર્કી મેડ જિગના પિસ્ટોલ પણ આ લોકો પાસે હતી જેનો ઉપયોગ પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલા મર્ડરમાં કરવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ કેસમાં આરોપીએ 18 વર્ષ કરતા પણ ઓછીં ઉંમરના લોકોને હાયર કર્યા હતા. આ લોકો પુણે, રાયગઢ, નવી મુંબઇ, થાણે અને ગુજરાતમાં સંતાયેલા છે. પોલીસે દાવો કર્યો કે સલમાન ખાન પર 60થી 70 લોકો નજર રાખતા હતા. બાંદ્રા હાઉસ, પનવેલ ફાર્મ હાઉસથી લઇને ગોરેગાંવ ફિલ્મ સિટી સુધી સલમાન ખાનની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવતી હતી. ચાર્જશીટ અનુસાર સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર ઓગસ્ટ 2023થી એપ્રિલ 2024 દરમિયાન રચવામાં આવ્યું હતું.
આ કેસમાં ગુરૂવારે જ પોલીસે આ કેસમાં સુક્ખાની પાનીપતથી ધરપકડ કરી છે જે લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનો શૂટર છે. સુક્ખાએ જ શૂટર અજય કશ્યપ ઉર્ફ એકે અને અન્ય 4 લોકોને સલમાન ખાનને મારવાની સોપારી આપી હતી. તે બાદ કશ્યપ અને તેની ટીમે સલમાન ખાનની રેકી કરી હતી. આ લોકોએ નક્કી કર્યું હતું કે સલમાન ખાનની સુરક્ષા ટાઇટ રહે છે. બુલેટપ્રુફ વાહન પણ તેની સાથે જ રહે છે. એવામાં તેની હત્યા માટે મારક ક્ષમતા ધરાવતા હથિયારોની જરૂર પડશે જેને કારણે આ લોકો હાઇ રેન્જ ધરાવતી બંદૂકોની શોધમાં લાગી ગયા હતા.
પોલીસનું કહેવું છે કે હથિયારોની તપાસમાં સુક્ખાએ પાકિસ્તાનના હથિયાર તસ્કર ડોગરનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે વીડિયો કોલ પર વાત પણ કરી હતી. આ દરમિયાન પાકિસ્તાનના તસ્કરે એકે-47 સહિત કેટલાક હથિયાર બતાવ્યા હતા અને ડિલ પર વાત કરી હતી. ડોગરે હથિયારોની સપ્લાય પર સહમતિ વ્યક્ત કરી હતી. સુક્ખાએ 50 ટકા એડવાન્સ પેમેન્ટ આપવા પણ કહ્યું હતું. આ સિવાય બાકી પેમેન્ટ હથિયારોની ભારતમાં ડિલીવરી થયા બાદ આપવા કહ્યું હતું. પોલીસનું કહેવું છે કે આ આરોપી આગળના એક્શન માટે કેનેડામાં વસેલા ગેન્ગસ્ટર ગોલ્ડી બરાડ અને લોરેન્સના ભાઇ અનમોલ બિશ્નોઇના ઓર્ડરની રાહ જોતા હતા.






