અડધી રાત્રે ભારત-પાક સરહદે મોટી હલચલ: BSFએ 2 પાકિસ્તાની ઘૂસણખોરોને કર્યા ઠાર, એક ઊભી પૂંછડીએ ભાગ્યો!

પંજાબના તરન તારન સેક્ટરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સીમા સુરક્ષા દળ (BSF)ના સતર્ક જવાનોએ ઘૂસણખોરીના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. બોર્ડર પરથી ભારતીય સીમામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાની ઘૂસણખોરોને BSFએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે.
અડધી રાત્રે બની ઘટના
આ ઘટના તરન તારનના બીઓપી રાજોકે વિસ્તારમાં મોડી રાત્રે આશરે 12.30 વાગ્યે બની હતી. BSF પાસેથી મળેલી માહિતી મુજબ, પાકિસ્તાન તરફ આવેલા ચટ્ટનવાલે વિસ્તારમાંથી ઓછામાં ઓછા ત્રણ સંદિગ્ધ શખ્સો ભારતીય સીમા તરફ આગળ વધી રહ્યા હતા.
ચેતવણી છતાં આગળ વધતાં ફાયરિંગ
સરહદ પર તૈનાત સુરક્ષા જવાનોએ આ શંકાસ્પદ હિલચાલ જોઈને તરત જ ઘૂસણખોરોને પડકાર્યા હતા અને રોકાઈ જવા ચેતવણી આપી હતી. જોકે, ચેતવણીને અવગણીને ઘૂસણખોરો સતત આગળ વધતા રહ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતાં BSFના જવાનોએ સ્વબચાવ અને સીમા સુરક્ષા હેઠળ ગોળીબાર શરૂ કર્યો હતો.
એક ઘૂસણખોર જીવ બચાવીને પરત ભાગ્યો
આ જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘૂસણખોરો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા અને માર્યા ગયા હતા. જ્યારે ગોળીબાર દરમિયાન તેમનો ત્રીજો સાથી અંધારાનો લાભ લઈને જીવ બચાવી ઊભી પૂંછડીએ પાકિસ્તાન તરફ ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ પંજાબ સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

