બિહાર ચૂંટણીમાં 17 નવી પહેલનો અમલ, સફળતા બાદ દેશભરમાં લાગુ કરવાની ECની જાહેરાત

બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા અગાઉ, ચૂંટણી પંચે નવા 17 સુધારાઓની જાહેરાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, આ 17 નવી પહેલો બિહાર ચૂંટણીમાં લાગુ કરવામાં આવશે. બિહાર ચૂંટણીમાં અમલ બાદ દેશભરમાં તેનો અમલ થશે. નવા સુધારાઓ પ્રમાણે એક મતદાન મથકમાં 1,200 થી વધુ મતદારો નહીં હોય. બીજો મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે હવે મતદાન મથકની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. મતદારો મતદાન કરવા માટે તેમના ફોન રૂમની બહાર જમા કરાવી શકે છે અને પછી પાછા ફર્યા પછી તે લઈ શકે છે. જે મતદારોના નામ યાદીમાં નવા ઉમેરવામાં આવ્યા છે અથવા જેમનાં સરનામા બદલાયા છે તેમને નવા મતદાર ઓળખ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે જાહેર કરેલી નવી અપડેટ માર્ગદર્શિકા મુજબ ઉમેદવારો હવે મતદાન મથકથી 100 મીટરના ઘેરાવામાં કેમ્પ લગાવી શકશે. ચૂંટણી પંચ પાસે કુલ 40 એપ્સ છે, જે બધી ECINET પર ઉપલબ્ધ છે. મુખ્ય ચૂંટણી કમિશનરે એમ પણ કહ્યું કે હવે BLOsનો સંપર્ક ECINET દ્વારા કરી શકાશે. ચૂંટણી પંચનો સંપર્ક કરવા માટે 1950 ડાયલ કરી શકો છો. આ નંબર ડાયલ કરતા પહેલા +91 અને વિસ્તારનો STD કોડ લખો. પછી 1950 ડાયલ કરો. મતદારો પટનામાં 243 ERO અને CEO નો પણ સંપર્ક કરી શકે છે.
દરેક મતવિસ્તાર માટે એક નિરીક્ષક હશે. આ જવાબદારી વિવિધ રાજ્યોમાંથી આવનારા વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવશે. તેમના નંબર ECINET અને વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે EVM માં હવે ઉમેદવારનો કલર ફોટો હશે. સીરીયલ નંબરના ફોન્ટ મોટા હશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોની માંગણીઓ અનુસાર અને પારદર્શિતા માટે પંચે નિર્ણય લીધો છે કે, EVM ગણતરીના અંતિમ બે રાઉન્ડ પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે.
આ બધા 17 ફેરફારો છે:
1. મતદાન મથક દીઠ 1,200 મતદારોની મહત્તમ મર્યાદા.
2. બધા મતદાન મથકો પર 100% વેબકાસ્ટિંગ.
3. મતદારોના મોબાઇલ ફોન જમા કરાવવા માટે કાઉન્ટરો.
4. EVM મતપત્રો પર ઉમેદવારોના કલર ફોટોગ્રાફ્સ.
5. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને નિરીક્ષકોની તાલીમ.
6. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની સફળતાપૂર્વક પૂર્ણતા.
7. ડિજિટલ ઇન્ડેક્સ કાર્ડનું ઝડપી વિતરણ.
8. વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ.
9. 15 દિવસમાં મતદાર ઓળખ કાર્ડનું વિતરણ.
10. બૂથ લેવલ અધિકારીઓ માટે ઓળખ કાર્ડ.
11. ફોર્મ 17C અને EVM વચ્ચે વિસંગતતાના કિસ્સામાં VVPAT ગણતરી.
12. પોસ્ટલ બેલેટની પ્રારંભિક ગણતરી.
13. બહુમાળી સોસાયટીઓમાં વધારાના બૂથ.
14. 100 મીટરની બહાર અનૌપચારિક ઓળખ સ્લિપ બૂથ.
15. રાજકીય પક્ષોના BLA નો ઉપયોગ.
16. પોલીસ અધિકારીઓની ખાસ તાલીમ.
૧૭. પોલિંગ અને કાઉન્ટિંગ સ્ટાફનું મહેનતાણું બમણું કરવામાં આવશે.

