ઓડિશાના રાહત કેન્દ્રોમાં ગુંજી કિલકારી, Cyclone 'Dana' વચ્ચે 1600 બાળકોનો જન્મ

ઓડિશાના દરિયાકાંઠા વિસ્તારોમાં ચક્રવાતી તોફાન 'દાના' ટકરાયું છે. ચક્રવાતી અસર શુક્રવારે પણ ચાલુ રહી છે. પરંતુ ચક્રવાતની ગંભીરતા જોતાં લોકોને પહેલેથી જ સાવચેત કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજ્યની 4431 સગર્ભા સ્ત્રીઓને અલગ-અલગ રાહત કેન્દ્રો પર બનેલી અસ્થાયી હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી. તેમાંથી 1600થી વધુ મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હતો.
ચક્રવાત 'દાના' ઓડિશાના દરિયાકાંઠે અથડાયા બાદ ભારે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાએ કેન્દ્રપારા જિલ્લાના ભીતરકણિકા અને ભદ્રકના ધામરા વચ્ચે લગભગ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કર્યું હતું. રાત્રે લગભગ 12-10 કલાકે ભારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગે કહ્યું કે, છેલ્લા બે દિવસમાં સાવચેતીના પગલા તરીકે જે 4431 ગભર્વતિ માતાઓને પ્રસૂતિ ગૃહો અને આરોગ્ય સુવિધા કેન્દ્રોમાં લાવવામાં આવી હતી તેમાંથી લગભગ 1600 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યા છે.
ઓડિશા સરકારે ચક્રવાત સામે લડવા પૂરતી તૈયારીઓ કરી લીધી હતી. કુલ 5,84,888 લોકોને 6,008 આશ્રયસ્થાનોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ચક્રવાતી તોફાન સામે લોકોને મદદ પૂરી પાડવા 292 મેડિકલ ટીમો અને 155 વેટરનરી ટીમો તૈનાત કરવામાં આવી છે.
ચક્રવાત દાનાની અસરનો સામનો કરવા માટે ઓડિશા સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ પીએમ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. તેમને કટોકટીનો સામનો કરવા માટેની તૈયારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. તીવ્ર ચક્રવાતી તોફાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ભારે વરસાદ પડી રહ્યો છે. આના કારણે ભદ્રક અને કેન્દ્રપારા જિલ્લામાં દરિયાકાંઠે સામાન્ય ભરતી કરતા 1-1.5 મીટર વધુ તોફાની મોજા ઉછળી શકે છે.

