Video: અમદાવાદના પાંચ ઝોનમાં પાણીકાપ દૂર થશે

અમદાવાદીઓ માટે પાણી અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરના પાંચ ઝોનમાં પાણીના પુરવઠાને લઈને ઊભી થયેલી સમસ્યા હવે દૂર થવાની શક્યતા છે. સરદાર સરોવર નર્મદા નિગમ સાથે સંકલન કરીને નર્મદા નહેરમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. નર્મદા નહેરના જળસ્તરમાં વધઘટ થતાં પાણીના પુરવઠા પર અસર થઈ હતી, જોકે વોટર કમિટી ચેરમેન ધરમશીભાઈ દેસાઈના જણાવ્યા મુજબ સવારે પણ પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું હતું. તેમના દાવા પ્રમાણે આવતીકાલથી પાંચ ઝોનમાં પાણીકાપ નહીં રહે અને આગામી દિવસોમાં પણ પાણીનો પુરવઠો રાબેતા મુજબ જળવાઈ રહેશે.








