VIDEO: સુરતમાં કરુણાંતિકા: ઉધનાના પ્લાસ્ટિક કારખાનામાં ભીષણ આગ બાદ બ્લાસ્ટ, 5 દાઝ્યા, 2 કામદારોનાં કરૂણ મોત
Tragedy in Surat: સુરત શહેરના ઔદ

Tragedy in Surat: સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ઉધનામાં એક પ્લાસ્ટિકના સ્ક્રેપના કારખાનામાં લાગેલી ભીષણ આગે બે નિર્દોષ કામદારોનો ભોગ લીધો છે. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ કામદારો પૈકી બેનાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
આગ અને બ્લાસ્ટની ઘટના
પ્રાથમિક માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્લાસ્ટિક જેવી જ્વલનશીલ વસ્તુઓને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ દરમિયાન ગોડાઉનમાં એક જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા પાંચ કામદારો આગની લપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા.
બે કામદારોનાં મોત, પોલીસ તપાસ શરૂ
આગની ઘટના બાદ તમામ પાંચેય દાઝી ગયેલા કામદારોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે કામદારોના મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે ઉધના પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગ કયા કારણોસર લાગી, ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.





