Video: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે મંત્રી કુંવરજી બાવળિયાના ડાન્સનો વીડિયો વાયરલ

ગુજરાતમાં કડક દારૂબંધીનો અમલ હોવા છતાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામે યોજાયેલા નવરાત્રિ મહોત્સવ દરમિયાન લોકગાયક જીગ્નેશ કવિરાજે ‘પાંચ વાગે અને પગ મારા ધ્રુજે’ ગીત ગાયું હતું. આ ગીતના સૂર અને તાલે મંત્રી કુંવરજી બાવળિયા ખુદને રોકી ન શક્યા અને મંચ પર મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. દારૂ સાથે જોડાયેલા આ લોકપ્રિય ગીતના શબ્દો પર મંત્રી દ્વારા કરવામાં આવેલા ડાન્સનો આ વીડિયો વાયરલ થતાં જ અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ અને સવાલો ઊભા થઈ રહ્યા છે, જે હાલ લોકોનું ભારે ધ્યાન ખેંચી રહ્યા છે.






