VIDEO:ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 1થી 3 જુલાઈ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થાય અને ગતિ પકડે તેવી પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 1 થી 3 જુલાઈ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જુલાઈના પ્રથમ ત્રણ દિવસોમાં રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો માત્ર 2.88 ટકા જેટલો જ નહિવત સરેરાશ વરસાદ નોંધાયો છે, જેથી આ આગામી રાઉન્ડ અત્યંત મહત્વનો સાબિત થશે. બીજી તરફ, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હજુ પણ કાળઝાળ ગરમી યથાવત છે. હવામાન વિભાગના મતે, આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં આકરો બફારો અને ગરમી યથાવત રહેશે, તેમજ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.

