મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંકલેશ્વરમાં હાઈડ્રા ક્રેઈનની અડફેટે 2 વર્ષની બાળકીનું પિતાની સામે કરુણ મોત, ચાલક ફરાર

VIDEO: ઔદ્યોગિક નગરી અં

તસવીર: GSTV

VIDEO: ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે અંકલેશ્વરના વ્યસ્ત ગણાતા દેસાઈ પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પૂરઝડપે આવી રહેલી એક હાઇડ્રા ક્રેઈને રસ્તો ઓળંગી રહેલી માત્ર બે વર્ષની બાળકીને અડફેટે લેતા તેનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ ક્રેઈન ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

જાણો આખો મામલો 
પ્રાપ્ત વિગતો અનુસાર, અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી દેસાઈ પેટ્રોલ પંપ તરફ આવતા સર્વિસ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલ પંપની સામે આવેલા ઝૂંપડામાં રહેતા અનિલભાઈ ભુરિયાની 2 વર્ષની માસૂમ દીકરી 'સલોમી' રસ્તો ઓળંગી રહી હતી. આ દરમિયાન જીવલેણ ગતિએ આવી રહેલી હાઇડ્રા ક્રેઈનના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી સલોમીને જોરદાર ટક્કર મારી હતી.

સારવાર મળે તે પહેલા જ માસૂમનું મોત
અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. માસૂમ બાળકીના મોતના સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.

પોલીસ કાર્યવાહી
અકસ્માતની જાણ થતા જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ગડખોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે. પોલીસે ફરાર હાઇડ્રા ક્રેઈન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, વાહન જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો