ઇકોસિસ્ટમ પર ખતરો: Valsad ના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં

Valsad Marine Ecosystem Risk: દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ તિથલ અને નજીકના સુરવાળા દરિયાકિનારે દરિયાઈ જીવસૃષ્ટિ પ્રેમીઓ માટે આંચકાજનક દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડના તિથલ 'સૉલ્ટી બીચ' પાસે દુનિયાની સૌથી નાની વ્હેલ પ્રજાતિ ગણાતી 'પોર્પોઈસ'(Porpoise) અને સુરવાળા બીચ પર રક્ષિત શ્રેણીમાં આવતો 'ગ્રીન ટર્ટલ' કાચબો મૃત અવસ્થામાં મળી આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે.
ફેબ્રુઆરીમાં મૃત જીવો મળવા એ અસામાન્ય
પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને પર્યાવરણ પ્રેમી સંકેત દેસાઈના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એપ્રિલ મહિના પછી દરિયામાં કરંટ(મોજાંનું જોર) વધવાને કારણે મૃત જીવો કિનારે ઘસડાઈ આવતા હોય છે. જોકે, આ વર્ષે ફેબ્રુઆરી માસમાં જ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ 'શિડ્યુલ-1'ની શ્રેણીમાં આવતા બે રક્ષિત દરિયાઈ જીવોના મૃતદેહ મળી આવતા પર્યાવરણવિદોમાં ગંભીર ચિંતા પ્રસરી છે. આવા દુર્લભ જીવોનું મૃત્યુ દરિયાઈ ઇકોસિસ્ટમ માટે મોટા ખતરા સમાન છે, જે દરિયાઈ પ્રદૂષણ અને જહાજોની અવરજવર પર સતત દેખરેખ વધારવાની અનિવાર્યતા સૂચવે છે.
સચોટ કારણ જાણવા પોસ્ટમોર્ટમ શરૂ
પ્રાથમિક દ્રષ્ટિએ આ જીવોના મૃત્યુ પાછળ માછીમારોની જાળમાં ફસાઈ જવાથી થતો શ્વાસરોધ અથવા મોટા જહાજોના પ્રોપેલર(પંખા) સાથેની અથડામણથી થતી ગંભીર ઈજાઓ મુખ્ય કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, દરિયામાં ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવતું ઔદ્યોગિક પ્રદૂષણ અને વધતા જતા પ્લાસ્ટિકના કચરાને કારણે આ જીવોના પાચનતંત્રમાં અવરોધ ઊભો થવો પણ મૃત્યુનું કારણ હોઈ શકે છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિકો દ્વારા તાત્કાલિક વલસાડ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે બંને જીવોના મૃતદેહનો કબજો મેળવી, મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે.

