વલસાડના બગવાડા હાઇવે પર અકસ્માત, ટ્રકે અડફેટે લેતા બાઇકચાલકનું મોત

વલસાડના પારડીના બગવાડા નેશનલ હાઇવે નંબર 48 પર એક ભારતબેંજ ટ્રકના ચાલકે સાઇન બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં પારડી પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પૂરપાટ જતા ટ્રકે અડફેટે લીધો
મૂળ ગોરખપુર યુપીનો અને હાલ વલસાડના વાંકલ ગામે દેસાઇ ફળિયા ખાતે રહેતો રામમિલન બુધ્ધીરામ યાદવ ઉવ 38 ગત 20 ફેબ્રુઆરીના સવારે ઉમરગામ ખાતે આવેલી એક કંપનીમાં સાઇન બાઇક નં GJ-15-DH-3331 પર ગયો હતો. અને ત્યાંથી તે સાંજે છૂટી પરત બાઇક પર ઘરે આવી રહ્યો હતો. ત્યારે સાંજે સવા છએક વાગ્યાની આસપાસ બગવાડા ટોલબુથ પસાર કર્યા બાદ પારસ પંપ કંપની સામે નેશનલ હાઇવે નંબર 48 પર ભારતબેંજ ટ્રક નં MH-04-HY-9973ના ચાલકે પૂરપાટ ઝડપે ટ્રક હંકારી લાવી રામમિલનની બાઇકને અડફેટમાં લીધી હતી.
ઘટના સ્થળે જ મોત
આ અકસ્માતમાં રોડ પર પટકાયેલા રામ મિલનને ગંભીર પ્રકારની ઇજા થતાં ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકનું પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

