વલસાડના ભિલાડમાં ACBની રેડ, ચેક પોસ્ટનો બીટગાર્ડ લાંચ લેતા ઝડપાયો

વલસાડ જિલ્લાના ભિલાડમાં એસીબીના સપાટામાં વન્ય પેદાશના ચેક પોસ્ટનો બીટ ગાર્ડ 6,300 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો હતો. આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 7500ની લાંચ માંગી હતી. મહારાષ્ટ્રથી ખેરના લાકડાં લવાતા ગુજરાતનો પાસ બનાવવા લાંચ માગી હતી. એસીબીએ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભિલાડમાં આવેલા ચેકપોસ્ટ પરથી દરરોજ સેંકડો વાહનો પસાર થતા હોય છે. આ વાહનો વન્ય પેદાશ અને બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં એન્ટ્રી કરતા હોય છે. જેથી ચેકપોસ્ટ પર બીટ ગાર્ડ દ્વારા વાહન ચેકિંગ બાદ વાહનનો આગળ જવા લીલીઝંડી અપાતી હોય છે. પરંતુ એસીબીને ફરિયાદ મળ્યા બાદ ભિલાડ ચેકપોસ્ટ પર રેડ કરી ચેકપોસ્ટનો બીટગાર્ડ 6,300 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. જેથી એસીબીએ સત્તાવાર રીતે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી બીટગાર્ડે ફરિયાદી પાસેથી 7500 રૂપિયાની લાંચ માગી હતી.
મહારાષ્ટ્રથી ખેરના લાકડાં લાવી મહારાષ્ટ્રના પાસ પરથી ગુજરાતનો પાસ બનાવવા બીટગાર્ડે લાંચ માગી હતી. એક પાસની કાયદેસરની ફી 20 રૂપિયા થાય તેમ છતાં આરોપીએ એક પાસના રૂપિયા 2500 માગ્યા હોવાનું સામે આવ્યું છે.એસીબીના દરોડાથી જિલ્લાના સરકારી બાબુઓમાં રીતસરનો ફફડાટ વ્યાપ્યો છે.

