Valsadમાં રસ્તા પર જૂનું ઝાડ પડી જતાં તેની નીચે 3 વિદ્યાર્થી દટાયા, 1નું મોત; 2 ઈજાગ્રસ્ત

Valsad News: વલસાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં ભારે વરસાદને કારણે રસ્તા પર ઝાડ પડી જતા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર નજીક બનેલી ઘટનામાં એક લીમડાનું ધોતિંગ ઝાડ જે રસ્તાની બાજુમાં હતું એ અચાનક પડતા ત્રણ વિદ્યાર્થીઓ તેની નીચે દટાઈ ગયા હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓ સગા ભાઈ બહેન હતા. જેમાં ધ્યાની અજયભાઈ પટેલનું મૃત્યુ થયું હતું જ્યારે ઝાડ તેના પર પડ્યું હતું ત્યારે તેના પેટમાં ખાસી ઇજા થઈ હતી, અને સ્થાનિકોના જણાવ્યા મુજબ તે સમયે એના પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. તો અન્ય ભાઈ બહેનો જીત પટેલ અને શ્રેયા પટેલને પણ ઇજા પોહચી છે.
એકને હેર લાઇન ફ્રેક્ચર તો બીજાને મણકામાં અસર થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ લીમડાનું ઝાડ 60થી 70 વર્ષ જૂનું હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા હતા. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, આ ઝાડ એક તરફ વધેલું હતું અને તેને ટ્રીમિંગ કરાવવું જોઈતું હતું. પરંતુ જે ઝાડ છે એ દેખાવે એવું નહોતું લાગતું કે એ પડી જશે પરંતુ અંદરથી આ ઝાડ ખોવાયેલું દેખાઈ આવે છે. વલસાડ નગરપાલિકામાં આવતા વિસ્તારમાં ઘણા બધા ઝાડ છે અને આ વિસ્તારમાં ઘણા જુના ઝાડ છે, માટે આ વિસ્તાર લીલો છમ પણ છે. પરંતુ જે જુના ઝાડ છે તેનું સમયસર ટ્રિમીંગ થવું ખૂબ જ જરૂરી છે જે નગરપાલિકા કરતી ન હોય એનું આ પરિણામ છે. હાલ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ તેણીનો મૃતદેહ પરિવારને સુપરત કરવામાં આવશે.

