VIDEO: Vadodara / સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો સામે વિરોધનો વંટોળ; 'માસ્ક મેન' દ્વારા પોસ્ટર અને રેલી યોજી વિરોધ પ્રદર્શન
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષોના પ્રચાર કરતા વિરોધના અનોખા નુસખા વધુ ચર્ચામાં રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 10માં ક્રાંતિકારી સેનાના 'માસ્ક મેન' દ્વારા ભાજપના ઉમેદવારો નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા સામે મોરચો માંડીને પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ક્રાંતિકારી સેનાના કાર્યકરોએ ચહેરા પર માસ્ક લગાવી માસ્ક મેન બની અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. આ સાથે જ તેમણે ઉમેદવારોના કથિત 'જૂઠાણા' ખુલ્લા પાડવાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. માસ્ક પહેરેલા આ કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉમેદવાર નીતિન દોંગા સામે મતદારોમાં રોષનું મુખ્ય કારણ તેમનું અગાઉનું નિવેદન છે. નીતિન દોંગાએ અગાઉ જાહેરમાં કહ્યું હતું કે તેઓ હવે ચૂંટણી નહીં લડે, તેમ છતાં ત્રીજી ટર્મમાં ફરી ટિકિટ લેતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. વિરોધ પક્ષે આ નિવેદનના જૂના પેપર કટિંગ્સ અને હોર્ડિંગ્સ ઠેર-ઠેર લગાવીને મતદારોને તેમના વચનોની યાદ અપાવી છે.
વિરોધ માત્ર પોસ્ટર પૂરતો મર્યાદિત રહ્યો નથી. વાસણાથી ભાયલી ગામ સુધી એક વિશાળ કાર રેલી યોજવામાં આવી હતી, જેમાં નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સરકારી આવાસ યોજનાના ફ્લેટોમાં જઈને "હિસાબ આપો" ના નારા સાથે લિફ્લેટ વહેંચવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ પણ આ તકે નેતાઓ સામે પોતાની વર્ષો જૂની પીડા અને બળાપો ઠાલવ્યો હતો.

