VIDEO: Vadodara / રણોલી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર; અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના મતદાન પહેલા જ વડોદરા જિલ્લા ભાજપે મોટો સપાટો બોલાવ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતની રણોલી-22 બેઠક પર ભાજપે ચૂંટણી પહેલા જ વિજય પતાકા લહેરાવી દીધી છે. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલા બિનહરીફ જાહેર થયા છે.
રણોલી બેઠક પર કોંગ્રેસે પોતાના દિગ્ગજ નેતા રાજુ માસ્ટરના પત્ની ગીતાબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. મજબૂત લડતની આશા વચ્ચે અચાનક ગીતાબેને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. ગીતાબેન ઉપરાંત અપક્ષ ઉમેદવાર પુષ્પાબેન પરમારે પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેનાથી ભાજપનો માર્ગ મોકળો બન્યો હતો.
બિનહરીફ વિજેતા જાહેર થયેલા ભાજપના ઉમેદવાર કૈરવીબા ગીરીરાજસિંહ વાઘેલા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નજીકના સંબંધી થાય છે. આ જીતને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લા ભાજપ સંગઠનની મોટી રણનીતિ માનવામાં આવી રહી છે. મતદાનના દિવસો પહેલા જ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચાતા કોંગ્રેસ સંગઠનમાં ભારે અફરાતફરી જોવા મળી રહી છે. રાજુ માસ્ટર જેવા દિગ્ગજ નેતાના પરિવાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પક્ષને મોટું નુકસાન થયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

