VIDEO: રાજ્યના કેટલાક પેટ્રોલ પંપ પર ગ્રાહકો વચ્ચે જ છુટ્ટા હાથની મારામારીના દ્વશ્યો સર્જાયા, પરિસ્થિતિ વધુ તંગ બની
રાજ્યમાં ગત રોજ ઈંધણની અછતની વાતો વચ્ચે વિવિધ પેટ્રોલ પંપ પર સ્થિતિ તંગ જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે કેટલાક પેટ્રોલ પંપ પર તો છુટ્ટા હાથની મારામારી પણ સર્જાઈ હતી. છોટાઉદેપુર,વડોદરા, હાલોલ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર બબાલની સ્થિતિ સર્જાઈ હતી.
લોકો સંયમ ગુમાવી રહ્યા છે
વડોદરામાં ઈંધણની અછતની અફવા વચ્ચે સ્થિતિ તંગ બની છે. શહેરના ફતેહગંજ વિસ્તારમાં એક જાણીતા નેતાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે વાહનચાલકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. કલાકો સુધી રાહ જોયા બાદ લોકો પોતાનો સંયમ ગુમાવી રહ્યા છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
સંખેડાના હાંડોદ સ્થિત પેટ્રોલ પંપ પર બે શખ્સો વચ્ચે મારામારી
છોટાઉદેપુર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને પગલે વાહનચાલકોમાં ભારે દોડધામ મચી છે. સંખેડાના હાંડોદ સ્થિત પેટ્રોલ પંપ પર લાઈનમાં આગળ જવા બાબતે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પેટ્રોલ પંપના કર્મચારીઓ અને સ્થાનિકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

