Vadodara news: વડોદરા મનપાને રેલવેની જગ્યા પર જાહેરાતો લગાડવું 1.19 કરોડમાં પડ્યું, જાણો કોર્ટનો હુકમ

Vadodara news: વડોદરામાં રેલવેની માલિકીની ગરનાળાની દીવાલ પર કરાયેલી અનઅધિકૃત જાહેરાતોના વિવાદે નવો વળાંક લીધો છે. કોર્ટે વડોદરા મહાનગરપાલિકાને રૂ. 1.19 કરોડ ઉપરાંત વ્યાજ સાથે રકમ વેસ્ટર્ન રેલવેને આપવાનો હુકમ કરતા ખળભળાટ મચી છે. પાલિકા તંત્રએ રેલ વિભાગની જગ્યા હોવા છતાં એસી કી તેસી કરી અલકાપુરી ગરનાળા પાસે જાહેરાતો લગાવી હતી.
મળતી માહિતી અનુસાર, શહેરના પૂર્વને પશ્ચિમથી જોડતા અલકાપુરી રેલવે ગરનાળાની દીવાલ પર પાલિકા દ્વારા લગાડાઈ હતી જાહેરાતો, પાલિકાએ અનધિકૃત રીતે કરાર દ્વારા કમર્શિયલ ઉપયોગ કરી લગાવી હતી જાહેરાતો, રેલવે દ્વારા આ જગ્યા પોતાની માલિકી આધારિત હોવાનો દાવો કોર્ટમાં દાખલ કર્યો હતો. રેલવે દ્વારા આ મામલે દસ્તાવેજી પુરાવા અને દલીલો નામદાર કોર્ટ સમક્ષ કરાઈ હતી, નામદાર કોર્ટે દલીલો બાદ 1.19 કરોડ ઉપરાંત વ્યાજ સાથે ચુકવવાનો વડોદરા મહાનગરપાલિકાને હુકમ કર્યો હતો.
વડોદરા શહેર અલકાપુરીમાં આવેલી રેલવેની માલિકીની દીવાલો પર વર્ષોથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરખબરો લગાવવામાં આવતી હતી. વર્ષ-1875થી રેલવેની માલિકીની ગણાતી આ દિવાલ પર કોમર્શિયલ હકથી જાહેરાતો મુકવાનું કામગીરી પાલિકાએ કરી હતી. જોકે રેલવેએ તેનો મક્કમ વિરોધ કરી પાલિકા સામે દાવો દાખલ કર્યો હતો.
પાલિકાના પ્રશાસન સામે ફરી એકવાર કાનૂની કાર્યવાહી
વેસ્ટર્ન રેલવે તરફથી માલિકીની દલીલ સાથે દાખલ દાવામાં દસ્તાવેજી પુરાવા તથા મૌખિક દલીલો રજૂ કરવામાં આવી હતી જેમાં વકીલ અનિલ દેસાઈએ રેલવેના પક્ષમાં મજબૂત દલીલ રજૂ કરતા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ દ્વારા રેલવેના પક્ષમાં ચુકાદો આપ્યો હતો, કોર્ટે પાલિકાને 1.19 કરોડ ઉપરાંત વ્યાજ સહિતની રકમ ભરપાઈ કરવા જણાવ્યું છે. હવે વડોદરા કોર્પોરેશન સામે આ મુદ્દો નવો કાનૂની દબાણ ઊભું કરી શકે છે.

