વડોદરામાં પહેલાં જ વરસાદમાં તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ! ક્યાંક વૃક્ષ પડ્યું તો ક્યાંક ડમ્પર ફસાયું

વડોદરામાં પહેલા જ વરસાદમાં કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠયા છે. હજી માંડ એકાદ ઇંચ વરસાદ પડયો છે ત્યાં ફાયર બ્રિગેડની દોડાદોડી ચાલુ થઇ ગઇ છે.
ગોરવામાં સાંગરિલા રેસિડેન્સી નજીક આજે સવારે એક તોતિંગ વૃક્ષ મકાન પર પડતાં રહીશો ગભરાઇને બહાર નીકળી આવ્યા હતા.સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. ફાયર બ્રિગેડે ઇલેકટ્રિક કટર વડે ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો.
ફતેગંજમાં ઇલેકટ્રિક પોલ પર શોર્ટ સર્કિટનો એક વીડિયો વાયરલ થયો છે. જ્યારે, વાસણા રોડ વિસ્તારમાં સિમેન્ટ કોંક્રિટ લઇ જતું ડમ્પર માટીમાં ફસાઇ જતાં તેને બહાર કાઢવાની જહેમત કરવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી હોવા છતાં જેતલપુર બ્રિજ,અકોટા,વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા અંગે સવાલો થઇ રહ્યા છે. લોકો દ્વારા પાણી ના ભરાય તેની તકેદારી લેવા અને સમયસર મદદ મળી રહે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

